<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સુરતના કામરેજના ઉભેળમાં મળેલી પુરુષની સડેલી લાશનો ભેદ ઉકેલાયો:પત્ની સાથેના આડા સંબંધોની અદાવતમાં ઈંટના પ્રહારથી પતાવી દીધો

ડિકમ્પોઝ હાલતમાં લાશની ઓળખ રાજકોટની એક કંપનીમાં કામ કરતા બબલુ સૈની તરીકે થઈ :પોલીસે શ્રીરામ સુંદરલાલ પાંડેની ધરપકડ કરી: CCTV અને ટી-શર્ટથી તપાસમાં મહત્વની કડી મળી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉભેળ ગામ નજીકથી મળી આવેલી અજાણ્યા પુરુષની સડેલી લાશના ચકચારી કેસનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. 8 નવેમ્બરના રોજ રામપીરની દરગાહ નજીકથી મળી આવેલી ડિકમ્પોઝ હાલતમાં લાશની ઓળખ રાજકોટની એક કંપનીમાં કામ કરતા બબલુ સૈની તરીકે થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક બબલુ સૈનીની પત્ની સાથેના આડા સંબંધોની અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે આરોપી શ્રીરામ સુંદરલાલ પાંડેની ધરપકડ કરી છે.

 

મળતી માહિતી અનુસાર, 8 નવેમ્બરના રોજ કામરેજના ઉભેળ ગામમાં રામપીરની દરગાહ નજીક ગૌચરની જમીનમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ સડી ગયેલી હાલતમાં હોવાથી શરૂઆતમાં તેની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂપ બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક કોણ છે અને તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

 

 

પોલીસ તપાસમાં મૃતકની ઓળખ રાજકોટની કંપનીમાં કામ કરતા બબલુ સૈની તરીકે થઈ હતી. તપાસ દરમિયાન હત્યા પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક બબલુ સૈનીની પત્ની સાથેના આડા સંબંધોની અદાવત રાખીને આરોપીએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીએ બબલુને સારી નોકરી અપાવવાની લાલચ આપી પોતાની સાથે આવવા માટે મનાવ્યો હતો.

 

 

આરોપી શ્રીરામ સુંદરલાલ પાંડે સારી નોકરી અપાવવાની લાલચ આપીને બબલુ સૈનીને મોટરસાઇકલ પર બેસાડી કામરેજના ઉભેળ ગામ લઈ ગયો હતો. ત્યાં ગૌચરની જમીનમાં બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીએ ઈંટના પ્રહાર કરીને બબલુ સૈનીની હત્યા કરી નાખી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. હત્યા બાદ મૃતદેહ ત્યાં જ છોડી આરોપી ફરાર થયો હતો.

 

આ કેસ ઉકેલવામાં પોલીસને મૃતકના ટી-શર્ટ પર લખેલા કંપનીના નામથી મહત્વની કડી મળી હતી. આ ઉપરાંત CCTV ફૂટેજની મદદથી પોલીસે મૃતકની ઓળખ કરી અને તપાસને આગળ વધારી આરોપી સુધી પહોંચી હતી. ટેકનિકલ તપાસ અને મળેલા પુરાવાઓના આધારે પોલીસે શ્રીરામ સુંદરલાલ પાંડેને ઝડપી પાડ્યો છે.

 

આ ચકચારી હત્યા કેસનો ભેદ ઉકેલવામાં કામરેજ પોલીસ અને સુરત ગ્રામ્ય LCBએ મહત્વની કામગીરી કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્ની સાથેના આડા સંબંધોની અદાવતમાં નોકરીની લાલચ આપીને મિત્રને મોતને ઘાટ ઉતારવાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે.

(9:03 PM IST)