<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

કાલુપુરમાં રોડ પહોળો કરવા AMCનું ડિમોલિશન: 20 દુકાનો તોડવાની કામગીરી દરમિયાન વેપારીઓનો ઉગ્ર વિરોધ

ઝૂલતા મિનારા અને સાળંગપુર સર્કલ પાસે 5 JCB અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી; મહિલાઓ JCB આગળ બેસી જતાં ઝપાઝપી, સોમવાર સુધીનો સમય માંગ્યો

અમદાવાદ : અમદાવાદ શહેરના કાલુપુરમાં ઝૂલતા મિનારા અને સાળંગપુર સર્કલ પાસે રોડ પહોળો કરવાના હેતુથી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા ભાડે અપાયેલી 20 કોમર્શિયલ દુકાનોનું ડિમોલિશન શરૂ કરાતાં વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે બપોરે AMC મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત, 5 JCB અને અંદાજે 50 કર્મચારીઓ સાથે સ્થળ પર પહોંચી હતી.

કામગીરી શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક મહિલાઓ રસ્તા પર JCB આગળ બેસી ગઈ હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમને હટાવવાના પ્રયાસ દરમિયાન પોલીસ અને વેપારીઓ વચ્ચે ઝપાઝપી થતાં વિસ્તારમાં તણાવ સર્જાયો હતો.

અગાઉ AMC દ્વારા મિલકતો ખાલી કરવા નોટિસ અપાયા બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં પક્ષકારોને વાત રજૂ કરવાની તક મળ્યા બાદ મનપાએ ફરી નોટિસ પાઠવી હતી અને આજે દુકાનો તથા આસપાસના દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ 70 વર્ષથી વેરો, ભાડું અને લાઈટ બિલ ભરી રહ્યા છે, તેમ છતાં અચાનક દુકાનો તોડવા તંત્ર પહોંચ્યું છે અને આજીવિકા છીનવાઈ જવાના ભય વચ્ચે તેમણે સોમવાર સુધીનો સમય આપવાની માંગ કરી હતી.

AMC ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર ચિંતન એન્જિનિયરે જણાવ્યું હતું કે રોડ પહોળો કરવાની યોજના હેઠળ 20 દુકાનો તોડવા માટે 5 JCB અને અંદાજે 50 કર્મચારીઓની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

(6:53 PM IST)