News of Saturday, 19th September 2026
દાહોદના ભુવાલ તાલુકાના ભાડભા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આદિવાસી યુવાનો સાથે સંવાદ : AI ટૂલ્સ દ્વારા દેશમાં છેલ્લા દાયકામાં થયેલા વિકાસ કાર્યોના આંકડા ચકાસાવ્યા
આયુષ્માન ભારત, પીએમ આવાસ અને શિક્ષણ સહાયના લાભાર્થીઓએ પ્રત્યક્ષ અનુભવો વર્ણવ્યા : પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના સેવા કાર્યકાળ નિમિત્તે દૈનિક ૨૫ મિનિટ સમાજ સેવા માટે આપવા યુવાશક્તિને આહ્વાન

દાહોદ:'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વડનગરથી વારાણસી બાઇક રેલી સાથે દાહોદ જિલ્લાના ભુવાલ તાલુકામાં આવેલા ભાડભા ગામ ખાતે આયોજિત યુવા સંવાદ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી યુવાનો સાથે વિસ્તૃત અને જીવંત સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે, ગામડે-ગામડે જઈને સ્વચ્છતા અને સામાજિક સેવાના કાર્યો માટે ૨૨ દિવસ સુધી હજારો કિલોમીટર બાઇક ચલાવીને નીકળેલા યુવાનોનો ઉત્સાહ પ્રેરણાદાયી છે. આ યાત્રામાં ૫૦ ટકાથી વધુ યુવાનો બિન-રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા હોવા છતાં દેશ સેવાના સંકલ્પ સાથે જોડાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી તરીકેના દેશ સેવામાં ૨૫ વર્ષ પૂરા થયા હોઈ, તેમણે આ સમયગાળા દરમિયાન અંગત કામ માટે એક પણ રજા લીધા વિના સતત કામ કર્યું છે, જેમાંથી પ્રેરણા લેવા યુવાનોને જણાવાયું હતું.
AI ટેકનોલોજી દ્વારા વિકાસના આંકડાની ચકાસણી:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવતર પ્રયોગ કરતાં ઉપસ્થિત આદિવાસી યુવાનોને પોતાના મોબાઇલમાં AI ટૂલ્સનો ઉપયોગ કરીને વર્ષ ૨૦૧૪ પહેલાં અને વર્તમાન સમયના દેશના વિકાસના આંકડા ચકાસવા જણાવ્યું હતું. યુવાનોએ AI દ્વારા શોધીને વિગતો આપી હતી કે વર્ષ ૨૦૧૪ પહેલાં દેશમાં મેડિકલ કોલેજો માત્ર ૩૮૭ હતી, જે વધીને ૭૮૦ થઈ છે. રાજ્યસભાના આંકડા ટાંકીને યુવાઓએ જણાવ્યું હતું કે MBBSની બેઠકો ૫૧,૩૪ર્૪થી વધીને ૧,૧૫,૯૦૦ થઈ છે તથા PG બેઠકો ૩૧,૮૮૫થી વધીને ૭૪,૩૦૬ પર પહોંચી છે. એન્જિનિયરિંગ અને ઉચ્ચ શિક્ષણની બેઠકો બમણી થવાને કારણે આદિવાસી વિસ્તારોના સામાન્ય પરિવારના બાળકો પણ આજે ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે.
વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો સીધો સંવાદ:
સંવાદ દરમિયાન વિવિધ યુવાનો અને વડીલોએ આગળ આવીને સરકારી યોજનાઓથી તેમના જીવનમાં આવેલા બદલાવ વિશે અનુભવો રજૂ કર્યા હતા:
* ખેતીવાડી સહાય: એક યુવાને ટ્રેક્ટર સહાય પેટે કોઈ પણ અડચણ વિના સીધા ૧ લાખ રૂપિયા ખાતામાં મળ્યા હોવાનું જણાવ્યું.
* આયુષ્માન ભારત: એક યુવાએ તેમના દાદાજીના હૃદયનું ઓપરેશન વિના મૂલ્યે થયું હોવાનું તેમજ એક વડીલે તેમના ધર્મપત્નિના પથરીના ઓપરેશન માટે રૂ. ૭૦,૦૦૦ની સારવાર વિનામૂલ્યે મળી હોવાનું જણાવ્યું. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગુજરાતમાં હવે ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવાર ઉપલબ્ધ છે.
* શિક્ષણ સહાય: B.Sc. નર્સિંગના વિદ્યાર્થીને ઈ-નિર્માણ કાર્ડ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાની સહાય અને BAMS કરતી બહેનને ફ્રી-શિપ કાર્ડનો લાભ મળી રહ્યો હોવાનું દર્શાવાયું.
* પીએમ આવાસ તથા અન્ય સેવા: એક યુવાને ૩.૫ લાખ રૂપિયાની સહાયથી પાકું મકાન મળ્યાનું જણાવ્યું, જ્યારે પી.એમ. કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક ૬,૦૦૦ રૂપિયા અને ૧૯૬૨ હેલ્પલાઇન થકી અબોલ પશુઓની તાત્કાલિક સારવારની સેવાની પણ સરાહના કરાઈ.
દૈનિક ૨૫ મિનિટ સમાજ સેવા માટે આહ્વાન:
સંવાદના અંતે નાયબ મુખ્યમંત્રીએ તમામ યુવાનોને મહેનત કરવાની સાથે સાથે આગામી એક મહિના સુધી રોજની ૨૫ મિનિટ સામાજિક સેવા માટે ફાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે ગામની સ્વચ્છતા, સરકારી શાળાઓમાં શિક્ષણ, રક્તદાન, વૃદ્ધોની સેવા અને જરૂરિયાતમંદોને સરકારી યોજનાઓ સાથે જોડવા માટે યુવાશક્તિને સક્રિય બનવા ભાવપૂર્વક હાકલ કરી હતી.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
