News of Saturday, 25th April 2026
નાયબ મુખ્યમંત્રી સંઘવીએ AAP પર ટિકિટ વેચવાનો અને તુષ્ટિકરણની રાજનીતિનો ગંભીર આરોપ લગાવ્યો
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જ ટિકિટ માટે લાખો રૂપિયા લીધા હોવાની ફરિયાદ કરી હોવાનો દાવો : રસ્તા પર નમાઝ પઢવા જેવા મુદ્દે મુસ્લિમ સમાજને ભડકાવી શાંતિ ડહોળવાના પ્રયાસો સામે ગૃહ રાજ્યમંત્રીનો આકરો પ્રહાર

સુરત:
ગુજરાતના રાજકીય રણમેદાનમાં સત્તાધારી ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જંગ તેજ બન્યો છે. સુરતની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વિટર (X) ના માધ્યમથી ‘આપ’ પર આકરા પ્રહારો કરી રાજ્યના રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે. હર્ષભાઈ સંઘવીએ આમ આદમી પાર્ટીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે, જે પક્ષ નૈતિકતાની મોટી વાતો કરે છે તે જ પક્ષ અત્યારે ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણના સહારે મત મેળવવાના નીચલા સ્તર પર ઉતરી આવ્યો છે. તેમણે ગંભીરતાપૂર્વક નોંધ્યું હતું કે ‘આપ’ ના નેતાઓ ગુજરાતની શાંતિ ડહોળવા માટે પણ અચકાતા નથી.
ટિકિટ માટે ૩ થી ૧૫ લાખ ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ:
હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ ગુજરાતના યુવાનો સાથે મોટું ચીટિંગ કર્યું છે. તેમણે દાવો કર્યો કે પાર્ટીમાં ટિકિટોના સોદા થઈ રહ્યા છે. સંઘવીના જણાવ્યા અનુસાર, તેમને એવી અનેક અરજીઓ અને ફરિયાદો મળી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ટિકિટ અપાવવા માટે ૩ લાખથી લઈને ૧૫ લાખ રૂપિયા સુધીની રકમો વસૂલવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ આક્ષેપો કરનારા કોઈ બહારના વ્યક્તિ નથી, પરંતુ AAP ના જ સક્રિય કાર્યકરો છે જેઓ પોતાની પાર્ટીની કાર્યપદ્ધતિથી કંટાળીને હવે જાહેરમાં આવી રહ્યા છે.
ધાર્મિક લાગણીઓ ભડકાવવાનો પ્રયાસ:
રાજકીય આક્ષેપોની સાથે હર્ષભાઈ સંઘવીએ AAP પર સામાજિક શાંતિ ડહોળવાનો પણ આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે રસ્તા પર મજાર અને નમાઝ પઢવા જેવા સંવેદનશીલ મુદ્દે મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાનું અને ભડકાવવાનું કામ AAP દ્વારા કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર નમાઝ પઢવાની છૂટ આપવાનું વચન આપવું તે અત્યંત શરમજનક છે. હર્ષભાઈ સંઘવીએ પ્રશ્ન કર્યો હતો કે શું આમ આદમી પાર્ટી આવા વિવાદાસ્પદ મુદ્દાઓના સહારે મત મેળવવા માંગે છે? શું તેઓ કોઈ ખાસ વર્ગને કાયદાથી ઉપર રાખવા માંગે છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા AAP નેતાઓના વીડિયોનો ઉલ્લેખ કરીને તેમણે ભાજપ તરફથી આકરો વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાતમાં પંજાબ મોડેલ નહીં ચાલે:
હર્ષભાઈ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે ગુજરાતની જનતાની સુરક્ષા અને શાંતિ એ ભાજપ સરકારનો અડગ સંકલ્પ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં પંજાબ જેવું મોડેલ ક્યારેય સફળ થશે નહીં. AAP ને આડે હાથ લેતા તેમણે જણાવ્યું કે, 'ગંદી રાજનીતિના સપના જોવાનું બંધ કરો, તમારા ‘મુંગેરીલાલના હસીન સપના’ ક્યારેય સાકાર નહીં થાય.' ગુજરાતની જનતા જાગૃત છે અને તેઓ આવી ભ્રામક વાતો કે તુષ્ટિકરણની રાજનીતિમાં આવવાના નથી. આ નિવેદનો બાદ હવે AAP આ ગંભીર આક્ષેપો પર શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
