<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

કંડલામાં તુર્કીના જહાજની અટકાયત: દુબઇની કંપની સાથે ૩ કરોડ ડોલરના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટનો આદેશ

યુદ્ધના પગલે હોર્મુઝમાં ઠપ્પ થયેલ આંતરરાષ્ટ્રીય જળમાર્ગના વિવાદ વચ્ચે માલ અટકતાં જહાજ કંપની સામે દાવો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ :  ગુજરાત હાઇકોર્ટે કંડલા પોર્ટ ઉપર લાંગરેલા તુર્કીના જહાજ એમ વી પેસેફિક હાર્મનીની તાત્કાલિક અસરથી અટકાયત કરવાનો હુકમ કંડલા પોર્ટ અને કસ્ટમ ઓથોરિટીને આપ્યો છે. જોકે, આ વિવાદ MLB શિપિંગ દુબઈ અને શીપ ધરાવતી ઇસ્તંબુલ ડેનિસિલક (મેરી ટાઇમ) કંપની વચ્ચે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ વ્યવહાર સાથે સંકળાયેલો છે. 

ઇસ્તંબુલ મેરીટાઇમ કંપનીના બીજા જહાજ પેસિફિક વિક્ટર મારફતે MLB શિપિંગ એ ઇટાલીથી કુવૈત અને ઉમ્મ કસર માલ મોકલવાનો કોન્ટ્રેક્ટ કર્યો હતો. પરંતુ યુદ્ધના કારણે હોર્મુઝનો જળમાર્ગ બંધ થતા આ જહાજ દરિયામાં અટવાયું હતું. આ સ્થિતિમાં MLB શિપિંગ એ પોતાનો માલ ઓમાનના સોહર અથવા દુક્મ પોર્ટ ઉપર ઉતારવા ઓફર કરી વિલંબ વળતર ચૂકવવાની ઓફર કરી હતી. પરંતુ જહાજ માલિકે આ ઓફર ઠુકરાવી દીધી હતી કે તેમને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાનું છે. આમ જહાજ ૯૦ દિવસ હોર્મુઝમાં અટવાઈ જતા MLB શિપિંગ એ દાવો કર્યો હતો કે જહાજ કંપનીએ માલ ભરેલા જહાજનો સ્ટોરેજ ફેસેલિટી તરીકે ઉપયોગ કરી તેમનો ૩ કરોડ ડોલરનો માલ બંધક તરીકે રાખી અટકાવી દીધો છે. માલ સોંપવાનો ઇનકાર કર્યો છે. 

જોકે મુખ્ય મુદ્દો એ છે કે પેસિફિક વિક્ટર જહાજનો વિવાદ છે જ્યારે કંડલા આવેલું જહાજ પેસિફિક હાર્મની છે. આ જહાજની અટકાયત શા માટે? પરંતુ અદાલતમાં થયેલ દલીલ અનુસાર એડમિરલ્ટી એક્ટની કલમ અનુસાર મેરીટાઇમ લો મુજબ કોઈ એક જહાજનો વિવાદ હોય તો નુકસાની વસૂલવા એ જ માલિકના બીજા જહાજની અટકાયત કરી શકાય છે. આ કાયદા અંતર્ગત દુબઈની કંપનીના વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું કે ઈસ્તંબુલ મેરીટાઇમ ની માલિકીનું બીજું જહાજ કંડલા પોર્ટ ઉપર ઊભું હોઈ તેની સામે કાર્યવાહી થાય અન્યથા MLB કંપની પોતાની નુકસાની શી રીતે વસૂલ કરી શકશે? 

દરમ્યાન હાઇકોર્ટની શરત અનુસાર જહાજ માલિકો જો ૩.૦૫ કરોડ ડોલર નુકસાની અને ૮૦ હજાર ડોલર કાનૂની ખર્ચ, મુદ્દલ ઉપર ૧૮ ટકા વ્યાજ કોર્ટમાં સિક્યુરિટી તરીકે જમા કરાવે તો અટકાયતનું વોરંટ રદ્દ કરી જહાજ જઈ શકશે.

(9:31 AM IST)