News of Wednesday, 13th May 2026
ગુજરાત પોલીસની છબી સુધારવા DGP ડૉ. કે. એલ. એન. રાવનો આદેશ : આરોપીઓની જાહેરમાં પરેડ કરાવવા કે સરઘસ કાઢવા સામે લાલ આંખ : અમાનવીય વર્તન કરનાર અધિકારીઓ સામે થશે કડક શિક્ષાત્મક કાર્યવાહી
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની નવી જોગવાઈઓ મુજબ જ ધરપકડ અને હાથકડીનો ઉપયોગ કરવા તમામ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓને સૂચના : આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવો, લાત મારવી કે લાકડીથી મારવો જેવી પ્રવૃત્તિઓ નહિ ચલાવી લેવાય : આરોપીનું આત્મસન્માન જાળવવું પોલીસની પ્રાથમિક ફરજ હોવા પર ભાર

રાજકોટ: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા રાજ્યના તમામ પોલીસ કમિશનરશ્રીઓ, રેન્જ વડાઓ અને પોલીસ અધીક્ષકશ્રીઓને એક અત્યંત મહત્વનો પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. નામદાર સુપ્રિમ કોર્ટના ડી.કે. બાસુ વિરૂધ્ધ પશ્ચિમ બંગાળ રાજ્યના ચુકાદા અને ગુજરાત હાઈકોર્ટમાં ભૌતિક વિજયભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી રીટ પીટિશનના સંદર્ભમાં આ કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ આદેશનો મુખ્ય હેતુ ધરપકડ કરાયેલા આરોપીઓ સાથે થતા અમાનવીય વર્તનને અટકાવવાનો અને પોલીસની છબીને ખરડાતી બચાવવાનો છે.
જાહેરમાં શારીરિક સજા આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ:
DGP કચેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવો, લાત મારવી કે લાકડીથી મારવો જેવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, આરોપી પાસે જાહેરમાં હાથ જોડાવી, કાન પકડાવી માફી મંગાવવી કે તેને 'મુર્ગો' બનાવવો એ પણ અપેક્ષિત વર્તન નથી. આવા કૃત્યોથી પોલીસની સારી કામગીરી ઢંકાઈ જાય છે અને જાહેર જનતામાં નકારાત્મક છાપ ઊભી થાય છે.
નવા કાયદા (BNSS) મુજબ ધરપકડની પ્રક્રિયા:
હાલમાં અમલી બનેલી 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩' ની જોગવાઈઓ પર ભાર મૂકતા સૂચના અપાઈ છે કે:
* નોટિસની પ્રક્રિયા: કલમ ૩૫ મુજબ, જ્યાં ધરપકડ જરૂરી ન હોય ત્યાં વ્યક્તિને પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપવી જોઈએ. જો વ્યક્તિ નોટિસનું પાલન કરે તો તેની ધરપકડ કરવી નહીં, સિવાય કે અધિકારી પાસે તેના નક્કર કારણો હોય.
* અધિકારીની ઓળખ: ધરપકડ કરનાર અધિકારીએ પોતાનું નામ અને ઓળખ સ્પષ્ટ રીતે જણાવવી પડશે.
* ધરપકડ મેમો: ધરપકડ સમયે કુટુંબના સભ્ય અથવા વિસ્તારના પ્રતિષ્ઠિત વ્યક્તિની સાક્ષી સાથેનો મેમો તૈયાર કરવો અને આરોપીને તેના સગા-સંબંધીને જાણ કરવાના અધિકાર વિશે માહિતગાર કરવો.
* વકીલને મળવાનો હક: કલમ ૩૮ મુજબ, આરોપી પૂછપરછ દરમિયાન પોતાની પસંદગીના એડવોકેટને મળી શકશે, પરંતુ સમગ્ર પૂછપરછ દરમિયાન નહીં.
હાથકડી ક્યારે પહેરાવી શકાય?
નવા કાયદાની કલમ ૪૩(૩) મુજબ, માત્ર રીઢા ગુનેગાર, કસ્ટડીમાંથી ભાગી ગયેલ વ્યક્તિ, સંગઠિત ગુનાખોરી, આતંકવાદી કૃત્ય, ડ્રગ્સ, હથિયારો, હત્યા, બળાત્કાર કે એસિડ એટેક જેવા ગંભીર ગુનાના આરોપીઓને જ હાથકડી પહેરાવી શકાશે. આ સિવાયના અન્ય કિસ્સાઓમાં હાથકડી પહેરાવવા માટે સંબંધિત મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.
અધિકારીઓની જવાબદારી નક્કી કરાઈ:
જો કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારી આરોપીના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરતા જણાશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ માટે જે તે વિસ્તારના DySP, ACP, SP કે CP કક્ષાના અધિકારીઓની સીધી જવાબદારી નક્કી કરવામાં આવી છે. તપાસના કામે આરોપીને હોસ્પિટલ કે પંચનામા માટે લઈ જતી વખતે પણ તેનું આત્મગૌરવ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા ડૉ. કે. એલ. એન. રાવે તાકીદ કરી છે.
આ માર્ગદર્શિકાના ચુસ્ત પાલન માટે CID (ક્રાઈમ), ATS અને તમામ પોલીસ વડાઓને સૂચના આપી દેવામાં આવી છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
