News of Saturday, 30th May 2026
ડીજીપી રાવનો સપાટો: યુવાનોને નશાથી બચાવવા અમદાવાદ-ગાંધીનગરના હુક્કાબાર પર SMCના દરોડા :એસ.જી. હાઈવેના કાફેમાં હુક્કાબાર પર તવાઈ
યુવા પેઢીને નશાથી દૂર રાખવી એ પોલીસની પ્રાથમિકતા :એલિસબ્રિજ, થલતેજ, ભાડજ, ઝુંડાલ સહિતના વિસ્તારોમાં આવેલા કાફેમાં હુક્કાબાર લગત ચેકિંગ

અમદાવાદ:ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ. રાવની સીધી સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં ચાલતા હુક્કાબાર પર અચાનક સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી. યુવા પેઢી નશાના રવાડે ચડવા માટે હુક્કાબારને પહેલું પગથિયું બનાવતી હોવાની બાબતને ગંભીરતાથી લઈ ડીજીપી રાવે આ કાર્યવાહી હાથ ધરાવી હતી.
SMCની અલગ અલગ ટીમોએ અમદાવાદ શહેર તથા ગાંધીનગરના એસ.જી. હાઈવે વિસ્તારમાં આવેલા કાફેમાં એકસાથે દરોડા પાડ્યા હતા. એલિસબ્રિજ, થલતેજ, ભાડજ, ઝુંડાલ સહિતના વિસ્તારોમાં આવેલા કાફેમાં હુક્કાબાર લગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અચાનક પડેલા દરોડાથી હુક્કાબાર સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલના એડમીન પીએસઆઈ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે યુવાનોમાં વધી રહેલા નશાના વ્યસનને અટકાવવા માટે આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હુક્કાબાર યુવાનો માટે નશાનું પ્રથમ પગથિયું બની રહ્યા છે. ઘણા કાફે સંચાલકો ગેરકાયદેસર રીતે હુક્કા પીરસી યુવાધનને બરબાદ કરી રહ્યા છે.
દરોડા દરમિયાન નિયમોનો ભંગ કરી હુક્કા પીરસતા કાફે સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SMC દ્વારા હુક્કા, ફ્લેવર, પાઈપ સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાયદા મુજબ ગુના નોંધવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ડીજીપી ડૉ. કે.એલ. રાવે સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યમાં ક્યાંય પણ ગેરકાયદેસર હુક્કાબાર ચાલવા દેવામાં આવશે નહીં.
ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ. રાવે જણાવ્યું કે યુવા પેઢીને નશાથી દૂર રાખવી એ પોલીસની પ્રાથમિકતા છે. હુક્કાબારના નામે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે રાજ્યભરમાં આવા સ્પેશિયલ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. વાલીઓને પણ અપીલ છે કે તેઓ પોતાના બાળકોની પ્રવૃત્તિ પર ધ્યાન રાખે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
