News of Monday, 29th June 2026
રણબુડા પ્રાથમિક શાળાની જર્જરિત હાલતથી વિદ્યાર્થીઓના માથે મંડરાતું જોખમ
પ્રથમ વરસાદમાં જ વર્ગખંડ સુધી પાણી, તૂટેલા પગથિયાં અને મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ચિંતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રણબુડા ગામની પ્રાથમિક શાળાની જર્જરીત હાલતને લઈને ગ્રામજનો અને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોની રજૂઆત મુજબ, શાળાની ઇમારત આશરે 12 વર્ષથી જૂની છે અને વરસાદી મોસમ દરમિયાન કેટલાક ભાગોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે. પ્રથમ વરસાદમાં જ શાળાના કેટલાક વર્ગખંડ સુધી પાણી પહોંચતાં વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોનો પ્રશ્ન છે કે, “વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે કે પહેલા પાણી કાઢશે?” વરસાદી વાતાવરણમાં બાળકોને સલામત અને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળવું જરૂરી છે, પરંતુ હાલની પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું તેઓ જણાવે છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, શાળાના કેટલાક પગથિયાં પણ તૂટેલી હાલતમાં છે. વરસાદ દરમિયાન લપસણું વાતાવરણ સર્જાતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા વાલીઓ અકસ્માતનો ભોગ બને તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત શાળામાં રમતગમત માટે યોગ્ય મેદાનનો અભાવ છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમત જરૂરી હોવા છતાં પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. શાળામાં મોબાઇલ અને ઇન્ટરનેટ નેટવર્કની પણ સમસ્યા હોવાનું જણાવવામાં આવે છે, જેના કારણે શિક્ષકોને ઓનલાઈન સરકારી અને શૈક્ષણિક કામગીરી માટે ગામની બહાર જવું પડે છે.
ગ્રામજનો અને વાલીઓએ જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ રાજ્યના શિક્ષણમંત્રીને આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે. તેમની માંગ છે કે શાળાની હાલતનો સ્થળ પર સર્વે કરવામાં આવે અને જરૂરી મરામત અથવા નવી, સુરક્ષિત અને આધુનિક શાળાના નિર્માણ માટે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
