News of Tuesday, 17th November 2026
ઐતિહાસિક નગરી વડનગરમાં જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ:રાજ્યના ત્રણ મંત્રીશ્રીઓએ યજ્ઞશાળાના દર્શન કરી આશીર્વાદ લીધા
વડનગરની ધરા પર આધ્યાત્મિક ચેતનાનો સંગમ: જનસુખાકારી માટે મંત્રીમંડળના સભ્યો ઈશ્વરસિંહ પટેલ, રમેશભાઈ કટારા અને રિવાબા જાડેજાની વિશેષ પ્રાર્થના : મંત્રોચ્ચાર અને આધ્યાત્મિક ઉર્જા વચ્ચે મંત્રીશ્રીઓએ ભગવાન હાટકેશ્વરના દર્શન કર્યા

વડનગર તા.૧૭ : ઐતિહાસિક નગરી વડનગરની પવિત્ર ભૂમિ પર શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં આયોજિત ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ હાલ આધ્યાત્મિક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી આધ્યાત્મિક ઉર્જા અને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે આ મહોત્સવના સાતમા દિવસે રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યોએ વિશેષ હાજરી આપી હતી. આ પવિત્ર પ્રસંગે જળ સંપતિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ, કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા તેમજ સામાજિક અગ્રણી સોમાભાઈ મોદીએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
મહાયજ્ઞના સાતમા દિવસે વડનગર ખાતે પહોંચેલા મંત્રીશ્રીઓએ યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી. મંત્રોચ્ચારથી ગુંજતા પાવન વાતાવરણમાં સહભાગી થઈ મંત્રીશ્રીઓએ યજ્ઞશાળાના દર્શન કર્યા હતા અને જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ દિવ્ય પ્રસંગની સાથોસાથ મંત્રીશ્રીઓએ વડનગરના આરાધ્ય દેવ ભગવાન હાટકેશ્વર મહાદેવના મંદિરે જઈ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રમેશભાઈ કટારા અને રિવાબા જાડેજાએ મહાદેવના દર્શન કરી જનસુખાકારી અને લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. વડનગરની આ પવિત્ર ધરા પર આયોજિત આ મહાયજ્ઞે ન માત્ર ધાર્મિક માહોલ સર્જ્યો છે, પરંતુ શ્રદ્ધાળુઓ અને મહાનુભાવો માટે એક વિશિષ્ટ આધ્યાત્મિક સંભારણું પૂરું પાડ્યું છે. શ્રદ્ધા અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં મંત્રીશ્રીઓની હાજરીથી કાર્યક્રમની ગરિમામાં વધારો થયો હતો.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
