<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

ગ્રામીણ ઘરવિહોણા કુટુંબોને મફત પ્લોટ સમતળ કરવાની સહાયમાં ધરખમ વધારો કરતી રાજ્ય સરકાર : પ્લોટ દીઠ સહાય ₹૧૦૦૦ થી વધારી ₹૫૦૦૦ કરાઈ

હેક્ટર દીઠ જમીન સમતળ સહાય ₹૫૦,૦૦૦ થી સીધી ₹૨,૦૦,૦૦૦ કરાઈ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'સૌને ઘર'ના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રજાહિતલક્ષી નિર્ણય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર:ગ્રામ્ય વિસ્તારોના ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પને વધુ મજબૂત બનાવતા ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી નિર્ણય લીધો છે. ગ્રામીણ ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવવામાં આવતા મફત પ્લોટ અને ખાડા-ટેકરાવાળી જમીનને સમતળ કરવા માટે અપાતી નાણાકીય સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે. આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને ગરીબ પરિવારોને પોતાના પાકા ઘરનું સપનું પૂરું કરવામાં મોટી આર્થિક રાહત મળશે.

 

 પ્લોટ સમતળ સહાયમાં ૫ ગણો અને જમીન સમતળ સહાયમાં ૪ ગણો વધારો:

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌના માટે ઘર’ના વિઝનને આગળ ધપાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે અગાઉના ઠરાવમાં સુધારો કર્યો છે. હવે મફત રહેણાંક પ્લોટ દીઠ જમીન વિકાસ અને સમતળ ખર્ચ તરીકે મળતી સહાય રૂ. ૧,૦૦૦ થી વધારીને રૂ. ૫,૦૦૦ કરવામાં આવી છે. આ ઉપરાંત ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય રૂ. ૫૦,૦૦૦ થી સીધી રૂ. ૨ લાખ સુધી વધારવાનો નિર્ણય લેવાયો છે. આમ, પ્લોટ સમતળ સહાયમાં પાંચ ગણો અને જમીન વિકાસ સહાયમાં ચાર ગણો વધારો કરીને સરકારે ગ્રામ્ય આવાસ વિકાસને નવી ગતિ આપી છે.

 

 પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ઠરાવ બહાર પાડી: યોજના વધુ વ્યવહારુ બનાવાઈ

મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડાના સીધા નેતૃત્વમાં કાર્યરત પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ૧૭ જુલાઈ ૨૦૨૬ના રોજ આ અંગેનો સત્તાવાર ઠરાવ પ્રગટ કરવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને એવા ગામો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જ્યાં ફાળવવામાં આવતી જમીન અસમતળ હોવાને કારણે લાભાર્થીઓને બાંધકામમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. હવે આર્થિક બોજ ઘટતાં લાભાર્થીઓ ઝડપથી મકાન નિર્માણ કરી શકશે.

 

 ૧૦૦ ચોરસ વારના મફત પ્લોટની યોજનાને મળ્યુ નવુ બળ:

રાજ્ય સરકારે વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોના ઘરવિહોણા પરિવારોને ૧૦૦ ચોરસ વારના મફત રહેણાંક પ્લોટ ફાળવવાની યોજના અમલમાં મૂકેલી છે. આ નવા નાણાકીય વધારાથી આ યોજના વધુ અસરકારક અને વ્યવહારુ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ અંત્યોદય કેન્દ્રિત અભિગમથી ગામડાઓના આયોજનબદ્ધ વિકાસને પ્રોત્સાહન મળશે અને ગ્રામીણ જનતાના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો આવશે.

(11:30 AM IST)