News of Saturday, 26th September 2026
વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પર્દાફાશ: નંબર પ્લેટ વિનાની થાર ગાડીએ સર્જ્યો હિટ એન્ડ રન, દારૂની મહેફિલ માણતા કારચાલકની અટકાયત!
ચાલુ કારમાં દારૂ પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ: સ્થાનિકોએ પીછો કરી પોલીસને જાણ કરી, કારેલીબાગ પોલીસે થાર જપ્ત કરી ચાલકને દબોચ્યો

વડોદરા : સંસ્કારી નગરી વડોદરાના વ્યસ્ત ગણાતા મીરા ચાર રસ્તા પાસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાળા રંગની અને નંબર પ્લેટ વિનાની એક મહિન્દ્રા થાર ગાડીના ચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારીને હિટ એન્ડ રનનો અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ ઊભા રહેવાના બદલે કારચાલકે ઘટનાસ્થળેથી નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ હતી કે, અકસ્માત સર્જનાર કારચાલક અને તેના સાથીઓ ચાલુ ગાડીમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. રાજ્યમાં અમલી કડક દારૂબંધીના ધજાગરા ઉડાડતા આ દ્રશ્યો ત્યાંથી પસાર થતા જાગૃત રાહદારીઓએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. થોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી અને પોલીસ પેટ્રોલીંગ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
કારેલીબાગ પોલીસે પીછો કરીને ચાલકને દબોચ્યો
ઘટનાની જાણ થતાં જ કારેલીબાગ પોલીસનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળ નજીકથી જ પીછો કરીને નંબર પ્લેટ વિનાની થાર ગાડીને આંતરી લીધી હતી અને કારચાલકની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. કારેલીબાગ પોલીસે થાર ગાડી જપ્ત કરીને આરોપી વિરુદ્ધ અકસ્માત સર્જવા, પ્રોહિબિશન (દારૂબંધી ભંગ) તેમજ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન હેઠળ ગુનો નોંધી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(7:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
