<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

વડોદરા કોંગ્રેસમાં ભૂકંપ :ડભોઈ અને પાદરામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું :100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા.

પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સીધી ચર્ચા કરવાનો પડકાર ફેંકતા સ્થાનિક રાજકારણમાં નવો ગરમાવો આવ્યો

વડોદરા જિલ્લામાં કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. ડભોઈ અને પાદરા વિસ્તારમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તથા ચૂંટાયેલા સભ્યોએ ભારતીય જનતા પાર્ટનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સીધી ચર્ચા કરવાનો પડકાર ફેંકતા સ્થાનિક રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે.

 

પાદરા ભાજપ દ્વારા સ્નેહમિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પાદરા શહેર અને તાલુકા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. પાદરા નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ સંગઠનમાં અગાઉ જવાબદારી સંભાળી ચૂકેલા અનેક કોંગ્રેસ કાર્યકરો ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારા સાથે જોડાયા હતા. બીજી તરફ ડભોઈમાં પણ ધારાસભ્ય શૈલેષ મહેતા અને જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આશરે 100 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

સંમેલન દરમિયાન ઉપસ્થિત કાર્યકરોએ વિપક્ષ દ્વારા ઉઠાવાતા મુદ્દાઓ અને કહેવાતી અરાજકતા સામે જડબાતોડ જવાબ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આગામી સમયમાં ગુજરાતમાં કોંગ્રેસનો પંજો નહીં પડવા દેવાની નેમ સાથે કાર્યકરોએ ઉત્સાહ દર્શાવ્યો હતો. આ દરમિયાન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આક્રમક તેવર અપનાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સીધો પડકાર આપ્યો હતો.

 

ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ પર ધારદાર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે ચર્ચા કરવાની વાતો કરે છે, પરંતુ તેમના માટે વડાપ્રધાન મોદીજીને આવવાની જરૂર નહીં પડે...  ડિબેટ કે ચર્ચા કરવી હોય તો એક ધારાસભ્ય અને ભાજપનો સામાન્ય કાર્યકર્તા પણ તેમના માટે પૂરતો છે અને તેઓ કહેશે તે સ્થળે અને સમયે ચર્ચા કરવા માટે તેઓ તૈયાર છે.

(10:57 PM IST)