<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th November 2026

રૂ.2,676 કરોડના ધોલેરા પ્લોટ કૌભાંડમાં EDનો સપાટો: મુખ્ય સૂત્રધાર રણવીર બિજારણિયાની ધરપકડ

નેક્સા એવરગ્રીન કેસમાં 47,664 રોકાણકારોને રૂ.932.54 કરોડની ખોટ: આરોપીને 3 ડિસેમ્બર સુધી ED કસ્ટડી, કરોડોની મિલકતો અને બેંક ખાતાં ફ્રીઝ

અમદાવાદ : ગુજરાતમાં ચર્ચિત ધોલેરા પ્લોટ કૌભાંડ (Dholera Land Scam) મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરીને નેક્સા એવરગ્રીન કેસના મુખ્ય સૂત્રધાર રણવીર બિજારણિયાની ધરપકડ કરી છે. અંદાજે રૂ.2,676 કરોડના આ કૌભાંડમાં આરોપીઓએ ધોલેરામાં પ્લોટ અને જમીન અપાવવાની લાલચ આપીને હજારો લોકો પાસેથી મોટી રકમ એકત્ર કરી હતી તેમજ દર અઠવાડિયે 3 ટકા વળતર અને લેપટોપ, બાઈક તથા કાર જેવી ભેટોની લાલચ આપીને રોકાણકારોને છેતર્યા હતા.
ED ની તપાસમાં સામે આવેલા આંકડા મુજબ કુલ 47,664 રોકાણકારોને તેમના રોકાણ કરતાં ઓછા નાણાં પરત મળ્યા છે, જેના કારણે રોકાણકારોને અંદાજે રૂ.932.54 કરોડની ખોટ થઈ છે. આરોપીઓએ વિવિધ કંપનીઓ મારફતે નાણાંની હેરફેર કરી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે, જેના પગલે ED એ ગુજરાતની જમીનો અને ફ્લેટ્સ સહિત રૂ.34.91 કરોડની કિંમત ધરાવતી 69 મિલકતો પર ટાંચ લગાવી છે તેમજ 26 બેંક ખાતાં અને ટર્મ ડિપોઝિટ ફ્રીઝ કર્યાં છે.
નેક્સા એવરગ્રીન કેસમાં ED અત્યાર સુધીમાં આશરે રૂ.52 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત અને ફ્રીઝ કરી ચૂકી છે, જ્યારે નાણાં ક્યાં અને કેવી રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યાં તેની કડીઓ શોધવા તપાસ એજન્સી સક્રિય છે. રોકાણ યોજનાઓના નામે થતી છેતરપિંડી સામે કડક કાર્યવાહીની માંગ વચ્ચે આ ધરપકડથી કૌભાંડના સમગ્ર નેટવર્કને ખુલ્લું પાડવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ ભરાયું છે.
ધરપકડ બાદ રણવીર બિજારણિયાને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને 3 ડિસેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે કસ્ટડી દરમિયાન ED ની પૂછપરછમાં નાણાકીય વ્યવહારો, વિવિધ કંપનીઓની ભૂમિકા અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે મહત્વપૂર્ણ ખુલાસા થાય તેવી શક્યતા છે, જેના આધારે આગળની જપ્તી અને કાનૂની કાર્યવાહી વધુ તેજ બનશે

(12:11 AM IST)