<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

મુસદ્દા મતદાર યાદીમાંથી બાકાત રહેલા નાગરિકો માટે ચૂંટણી પંચની મોટી સ્પષ્ટતા : અગાઉ નોંધાયેલા મતદારો પણ કોઈપણ કાયદાકીય ડર વિના ફોર્મ-૬ ભરીને આખરી યાદીમાં નામ ઉમેરાવી શકશે

ખાસ સઘન સુધારણા (SIR) બાદ ફોર્મ-૬ની ઘોષણા અંગે ઊભી થયેલી મૂંઝવણ દૂર કરાઈ : દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને પંચે સ્પષ્ટ કર્યું કે અગાઉ મતદાર હોવા છતાં નવેસરથી ફોર્મ-૬ ભરવાથી કલમ-૩૧ હેઠળ કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં થાય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન વિવિધ કારણોસર જે નાગરિકોના નામ મુસદ્દા મતદાર યાદીમાં સામેલ થઈ શક્યા નથી, તેમના માટે પંચે અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે. પંચના જણાવ્યા અનુસાર, મુસદ્દા મતદાર યાદીમાંથી બાકાત રહી ગયેલા અગાઉના મતદારો પણ હવે નિર્ભયપણે ફોર્મ-૬ ભરીને આખરી મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરાવી શકશે.

ફોર્મ-૬ની ઘોષણા અંગે મતદારોમાં હતી આશંકા:
એસઆઈઆર (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતદારોમાં એવી મૂંઝવણ ઊભી થઈ હતી કે જેઓ અગાઉથી મતદાર તરીકે નોંધાયેલા હતા, તેઓ જો નવેસરથી ફોર્મ-૬ ભરે તો તેમાં દર્શાવેલી ઘોષણા મુજબ અરજદારનું નામ મતદાર યાદીમાં પ્રથમ વખત ઉમેરવામાં આવી રહ્યું છે તેવો અર્થ નીકળે છે. આથી, અગાઉ નોંધાયેલા મતદારોને એવી ભીતિ હતી કે અગાઉ મતદાર હોવા છતાં ફોર્મ-૬ ભરવું એ ખોટી ઘોષણા કરવા બરાબર ગણાશે અને તેના કારણે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ની કલમ-૩૧ હેઠળ તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

ચૂંટણી પંચ અને દિલ્હી હાઈકોર્ટનું સ્પષ્ટ વલણ:
મતદારોની આ શંકાનું સમાધાન કરતા ભારતના ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે ૧ ઓગસ્ટ, ૨૦૨૨થી અમલમાં આવેલી ફોર્મ-૬ હેઠળની ઘોષણા મુજબ, જે મતદારનું નામ મુસદ્દા મતદાર યાદીમાં સામેલ ન હોય તે નિયત પ્રક્રિયા અનુસાર આખરી યાદીમાં નામ ઉમેરવા ફોર્મ-૬ રજૂ કરી શકે છે. અરજદારે અગાઉ નામ નોંધાવ્યું હતું કે નહીં તે બાબત ધ્યાને લીધા વિના વર્તમાન મતદાર યાદીમાં નામ સામેલ કરવાના હેતુથી ફોર્મ-૬ ભરવાનું રહેશે અને માત્ર અગાઉ મતદાર રહી ચૂક્યા હોવાના કારણે આ ઘોષણા ખોટી ગણાશે નહીં. પંચે વધુમાં જણાવ્યું કે આ નિર્ણય દિલ્હી હાઈકોર્ટના ‘નીલોત્પલભાઈ દત્તા અને અન્ય વિરુદ્ધ ભારતના ચૂંટણી પંચ’ (W.P.(C) No.14955/2026) ના ૧૪ ઓક્ટોબર, ૨૦૨૬ના ચુકાદા સાથે સુસંગત છે, જેમાં હાઈકોર્ટે ખોટી ઘોષણા અંગેની અરજદારોની આશંકાને અસ્થાને ગણાવી હતી.

દંડાત્મક કાર્યવાહી નહીં થાય, પરંતુ આ શરતોનું પાલન જરૂરી:
ચૂંટણી પંચે ખાતરી આપી છે કે એસઆઈઆર પ્રક્રિયા કે ત્યારબાદ ફોર્મ-૬ રજૂ કરનાર મતદાર અગાઉ નોંધાયેલા હતા માત્ર તે કારણોસર મતદાર નોંધણી અધિકારી દ્વારા તેમની સામે કલમ-૩૧ હેઠળ કોઈ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીં. જોકે, આ માટે એ શરત રહેશે કે અરજદાર મતદાર હાલમાં અન્ય કોઈ સંસદીય કે વિધાનસભા મતવિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલા ન હોવા જોઈએ અને ફોર્મમાં રજૂ કરેલી તમામ વિગતો કાયદાનુસાર સંપૂર્ણપણે યોગ્ય હોવી જોઈએ.

(2:44 PM IST)