<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

ગુજરાતમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરવાની આગાહીને પગલે સમગ્ર સરકારી તંત્ર હાઈ એલર્ટ પર : રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ વ્યાપક પૂર્વતૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની વિગતો આપી

રાજ્યના ૧૩ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' અને ૭ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાહત-બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ ૫૦ ટીમો તૈનાત કરાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આપેલી ગંભીર ચેતવણીને પગલે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક પૂર્વતૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સંભવિત આપત્તિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના તમામ સંબંધિત વિભાગો તથા તમામ જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને એક્શન મોડમાં રહેવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે.

 

 ૧૩ જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' અને ૭ જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ':

ગાંધીનગર ખાતેથી વિગતો આપતાં રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યના ૧૩ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' તથા ૭ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ નર્મદા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા અને સુરત સહિતના જિલ્લાઓમાં નોંધપાત્ર મુશળધાર વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર વરસાદી પરિસ્થિતિ પર સતત ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

 મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ: સુરક્ષિત સ્થળાંતરની કામગીરી

તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ રાજ્યભરમાં રાહત, બચાવ અને પૂર્વસાવચેતીના પગલાં અત્યંત અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે. સંભવિત પૂરગ્રસ્ત તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળોએ ખસેડવાની ઝુંબેશ અગાઉથી જ શરૂ કરી દેવામાં આવી છે અને જરૂરિયાત મુજબ આ કામગીરી નિરંતર ચાલુ રાખવામાં આવી રહી છે.

 

 એનડીઆરએફ અને એસડીઆરએફની ૫૦ ટીમો તૈનાત, વડોદરામાં ૩ ટીમો સ્ટેન્ડબાય:

આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ અને મદદ સુનિશ્ચિત કરવા માટે રાજ્યભરમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ૧૭ ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ૩૩ ટીમો મળીને કુલ ૫૦ ટીમોને સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરી દેવામાં આવી છે. ખાસ કરીને વડોદરા જિલ્લામાં એનડીઆરએફની ત્રણ ટીમોને સ્ટેન્ડબાય પર રખાઈ છે. તદુપરાંત, તમામ જિલ્લાઓમાં ઉપલબ્ધ બચાવ બોટ અને તેના સંચાલકોનું પ્રોપર મેપિંગ પૂર્ણ કરી લેવાયું છે, જેથી ઈમરજન્સીના સમયે તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી શકાય.

 

 મેડિકલ ઈમરજન્સી સિવાય બહાર ન નીકળવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ:

હાલની સક્રિય હવામાન પ્રણાલીને કારણે આગામી દિવસોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સ્થિતિમાં તમામ જિલ્લા તંત્રોને સતત મોનિટરિંગ કરવાના નિર્દેશ અપાયા છે. રાહત કમિશનરે નાગરિકોને વિશેષ અપીલ કરતાં જણાવ્યું છે કે અત્યંત જરૂરી કામ કે મેડિકલ ઈમરજન્સી સિવાય ઘરોની બહાર ન નીકળવું, સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવું, તથા નદી, નાળાં અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવું. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે માનવજીવનની સુરક્ષા એ જ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

(1:40 PM IST)