તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Saturday, 11th April 2026
સુરતની ચૂંટણીમાં ‘ઇન્સ્ટા સ્ટાર’ની એન્ટ્રી: AAP એ સોના સિંહને આપી ટિકિટ પણ પોતાની જ પાર્ટીનું નામ ભૂલી જતા સોશિયલ મીડિયા પર થઈ જબરી ટ્રોલ!
ફેસબુક પર માત્ર ૮ ફોલોઅર્સ ધરાવતી યુપીની પુત્રવધૂને ‘આપ’ એ મેદાનમાં ઉતારી: ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ ઉત્સાહમાં ‘આમ આદમી’ને બદલે ‘આમ જનતા’ પાર્ટી કહી દેતા વિવાદ, વિરોધીઓએ લીધી ચપટી

સુરત: સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં રાજકીય પક્ષો નવા ચહેરાઓને તક આપી રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) એ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પર દાવ ખેલ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને લગ્ન બાદ સુરતમાં સ્થાયી થયેલા ઇન્સ્ટા સ્ટાર સોના સિંહને વોર્ડ નંબર 29 (પાંડેસરા વિસ્તાર) માંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જોકે, રાજકારણના શ્રીગણેશ કરતાની સાથે જ તેઓ એક નિવેદનને કારણે વિવાદમાં સપડાયા છે.
પાર્ટીનું નામ લેવામાં જ થાપ ખાઈ ગયા
સોના સિંહે જ્યારે ઉત્સાહપૂર્વક પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં તેમની જીભ લપસી ગઈ હતી. તેમણે પોતાની પાર્ટી 'આમ આદમી પાર્ટી' ના બદલે 'આમ જનતા પાર્ટી' એ ટિકિટ આપી હોવાનું કહી દીધું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ નેટિઝન્સે તેમને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે ઉમેદવારને પોતાની પાર્ટીનું સાચું નામ ખબર નથી, તે જનતાના પ્રશ્નો કેવી રીતે ઉકેલશે?
કોણ છે આ સોશિયલ મીડિયા સ્ટાર?
સોના સિંહ ઇન્સ્ટાગ્રામ પર ૨૦ હજારથી વધુ ફોલોઅર્સ ધરાવે છે અને પોતાના વીડિયો દ્વારા સ્થાનિક સમસ્યાઓ ઉઠાવવા માટે જાણીતા છે. જોકે, રસપ્રદ વાત એ છે કે ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય હોવા છતાં ફેસબુક પર તેમના માત્ર ૮ ફોલોઅર્સ છે. આમ છતાં, તેમની ડિજિટલ પહોંચ અને જનતાની વેદના વાચા આપવાની શૈલીને જોઈને AAP એ તેમને ભાજપ અને કોંગ્રેસ સામે કાંટાની ટક્કર આપવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
ટ્રોલિંગ છતાં જીતનો વિશ્વાસ
ભૂલ બાદ ટ્રોલ થવા છતાં સોના સિંહ મક્કમ દેખાઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે અત્યાર સુધી તેમણે માત્ર વીડિયોના માધ્યમથી લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડી છે, પરંતુ હવે તેઓ સક્રિય નેતા બનીને લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ સમાધાન કરશે. પાંડેસરા જેવા શ્રમિક વિસ્તારમાં સોના સિંહની આ લોકપ્રિયતા મતમાં પરિવર્તિત થશે કે કેમ, તે તો ચૂંટણીના પરિણામો જ કહેશે.
હાલ તો સુરતના રાજકારણમાં આ 'ઇન્સ્ટા કેન્ડિડેટ' અને તેમની 'આમ જનતા પાર્ટી' વાળી ભૂલ ટોક ઓફ ધ ટાઉન બની છે.
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
