<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

નર્મદા જિલ્લામાં રેવન્યુ તલાટીઓનું મહેકમ પૂર્ણ: 65 નવનિયુક્ત તલાટીઓને નિમણુંક પત્રો અપાયા

નર્મદા જિલ્લામાં કુલ ૬૫ મહેસૂલી તલાટીઓ પૈકી ૫૯ ઉમેદવારોને જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘના હસ્તે નિમણૂકપત્રો એનાયત

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં રેવન્યુ તલાટીઓની ખાલી જગ્યાઓ પર નવી ભરતી કરાતા જિલ્લામાં રેવન્યુ તલાટીઓનું મહેકમ પૂર્ણ થયું છે .
  પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં રેવન્યુ તલાટીઓનું 89 નું મહેકમ મંજુર થયેલ હતું પરંતુ નિવૃત્તિ, અને બદલીને કારણે જગ્યાઓ ખાલી હતી જે કલેકટર ગંગાસિંઘે 65 તલાટીઓને નિયુક્તિ પત્રો આપતા હવે આ મહેકમ પૂર્ણ થયું છે .
જિલ્લા કલેકટર ગંગાસિંઘના હસ્તે ૫૯ નવનિયુક્ત પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો એનાયત કરાયા હતા
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા અંતર્ગત પસંદગી પામેલા નર્મદા જિલ્લામાં કુલ ૬૫ મહેસૂલી તલાટીઓ પૈકી ૫૯ ઉમેદવારોને જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૬ ઉમેદવારોને ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘે નવનિયુક્ત પામેલા મહેસૂલી તલાટીઓને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, તેઓ પોતાની ફરજો સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને જવાબદારીપૂર્વક નિભાવે તેમજ નાગરિકોને કેન્દ્રસ્થાને રાખી સંવેદનશીલ અભિગમ સાથે સેવા આપે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણમાં તેમજ નાગરિકોને ઝડપી, પારદર્શક અને ગુણવત્તાસભર મહેસૂલી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહેસૂલી તલાટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:42 PM IST)