<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ટી પોસ્‍ટના દર્શન દશાણી સાથે પૂર્વ ભાગીદારની ઠગાઈ

કંપનીના આઇપીઓ માટે સેબીની સાઇટ પર સર્ચ કરતાં પોતાનો ચેક બાઉન્‍સ થયો હોવાની જાણ થઇ

અમદાવાદ તા.૭: અમદાવાદ સહિત ગુજરાતભરમાં જાણીતી ટી પોસ્‍ટના માલિક દર્શન અનિલભાઈ દશાણીએ તેમના પૂર્વ ભાગીદાર લલિત મનસુખલાલ બુદ્ધદેવ સામે ઠગાઈની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચમાં નોંધાવી છે. આરોપ છે કે વર્ષો પહેલાં બંધ થઈ ગયેલી કંપનીના ચેકમાં દર્શન દશાણીની ખોટી સહી કરીને આસામની કંપની પાસેથી લાખો રૂપિયાની ચા મંગાવવામાં આવી હતી. ચેક બાઉન્‍સ થતાં સમગ્ર મામલો બહાર આવ્‍યો હતો.

ફરિયાદ મુજબ, સિધુભવન રોડ ખાતે રહેતા દર્શન દશાણી લાંબા સમયથી ટી પોસ્‍ટ નામની કંપની ચલાવે છે. તેમની કંપનીની માત્ર અમદાવાદમાં જ નહીં, પરંતુ ગુજરાત તેમજ અન્‍ય રાજ્‍યોમાં મળીને અંદાજે ૨૭૫થી વધુ શાખાઓ કાર્યરત છે.

દર્શન દશાણીના જણાવ્‍યા મુજબ, આશરે આઠ મહિના પહેલાં તેઓ તેમની કંપનીના આઈપીઓ અંગે સેબીની વેબસાઇટ પર માહિતી શોધી રહ્યા હતા. તે દરમિયાન તેમને જાણવા મળ્‍યું કે આસામની એક કંપનીએ ચેક બાઉન્‍સના મામલે તેમની સામે ફરિયાદ નોંધાવી છે. આ જાણ થતાં તેમણે સંબંધિત કંપનીનો સંપર્ક કર્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્‍યું કે વર્ષ ૨૦૧૭માં બંધ કરી દેવામાં આવેલી /ઈસ્‍ટર્ન ટ્રેડ કોર્પોરેશન નામની કંપનીના નામે તેમના પૂર્વ ભાગીદાર લલિત બુદ્ધદેવે ૮.૫૧ લાખની ચાની ખરીદી કરી હતી. તેના બદલામાં બંધ થઈ ગયેલી કંપનીનો ચેક મોકલવામાં આવ્‍યો હતો, જેમાં દર્શન દશાણીની ખોટી સહી કરવામાં આવી હતી. ચેક બાઉન્‍સ થતાં આસામની કંપનીએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન દર્શન દશાણીને બેંક તરફથી વધુ એક મેસેજ મળ્‍યો હતો કે તનય ટી કંપની દ્વારા પણ બંધ થયેલી કંપનીનો ટ્ટ લાખનો ચેક જમા કરાવવામાં આવ્‍યો છે. જોકે ચેક પરની સહી તેમની સાથે મેળ ન ખાતી હોવાથી બેંકે ચેક પરત કર્યો હતો. ત્‍યારબાદ વધુ તપાસ કરતાં જાણવા મળ્‍યું કે આ ચેક પર પણ તેમની ખોટી સહી કરવામાં આવી હતી.

ફરિયાદમાં દર્શન દશાણીએ જણાવ્‍યું છે કે વર્ષ ૨૦૦૬માં તેમણે રાજકોટના રૈયા રોડ સ્‍થિત કલ્‍યાણ એપાર્ટમેન્‍ટમાં રહેતા લલિત મનસુખલાલ બુદ્ધદેવ સાથે મત્રીને ટી સ્‍ટેશન નામની કંપની શરૂ કરી હતી. ત્‍યારબાદ વર્ષ ૨૦૧૩માં બંનેએ મળીને ઈસ્‍ટર્ન ટ્રેડ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી શરૂ કરી હતી, જેમાં ચાના વેપારનો ધંધો કરવામાં આવતો હતો. કંપનીનું બેંક ખાતું કોટક મહિન્‍દ્રા બેંકમાં હતું અને ચેક પર સહી કરવાની સત્તા બંને ભાગીદારો પાસે હતી.

વર્ષ ૨૦૧૬માં દર્શન દશાણી ટી સ્‍ટેશન કંપનીમાંથી અલગ થઈ ગયા હતા અને ભાગીદારી સમાપ્ત કરવા માટે રજિસ્‍ટ્રાર ઓફ કંપનીઝ (ROC) સમક્ષ જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્‍યારબાદ વર્ષ ૨૦૧૭માં બંને ભાગીદારો વચ્‍ચે મૌખિક સમજૂતીથી ઈસ્‍ટર્ન ટ્રેડ કોર્પોરેશન બંધ કરી દેવામાં આવી હતી. કંપનીનું બેંક એકાઉન્‍ટ ડોર્મન્‍ટ કરાવી દેવામાં આવ્‍યું હતું, ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી અને ઓફિસ આવેલી મિલકત પણ વેચી દેવામાં આવી હતી. ફરિયાદ મુજબ, કંપની બંધ થયા બાદ પણ જૂની ચેકબુક લલિત બુદ્ધદેવ પાસે રહી ગઈ હતી. તેનો ગેરઉપયોગ કરીને તેણે દર્શન દશાણીની જાણ બહાર વિવિધ વ્‍યવહારો કર્યા, ચેક પર ખોટી સહી કરી અને વેપારીઓને ચૂકવણી માટે ચેક આપ્‍યા હોવાનું આક્ષેપ કરાયો છે. આ સમગ્ર મામલે દર્શન દશાણીની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર મેહુલ ચૌહાણ સમગ્ર પ્રકરણની વધુ તપાસ કરી રહ્યા છે

(9:56 AM IST)