<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

રસ્‍તા પર ચાલુ વરસાદે ગાબડા પૂરી શકાય તેવી નવી ટેકનોલોજીનો પ્રયોગ

ચોમાસામાં રસ્‍તા બિસ્‍માર બનવાની ફરીયાદો રોકવા સરકારનું પગલું

રાજકોટ તા. ૧૯: રાજય સરકારે દર વર્ષે ચોમાસામાં ખાસ કરીને હાઇવે પર ખાડા પડવાની ઢગલાબંધ ફરીયાદો નિવારવા રેડીમિકસ મટીરીયલ આધારિત નવો પ્રયોગ આ વર્ષે કરવાનું નકકી કર્યું છે. જેનાથી ઝડપથી મજબૂત રીતે ગાબડા પૂરી શકાશે. આ પધ્‍ધતિથી ચાલુ વરસાદે પણ મરામત કરી શકાય છે. રસ્‍તા પર વાહન વ્‍યવહાર વધતા રસ્‍તાને નુકશાન થવાની શકયતા વધી છે. સરકારે લોકોની પરેશાની રોકવા નવી ટેકનોલોજીનો સહારો લીધો છે.

માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્‍યા મુજબ વરસાદથી રોડને નુકશાન થાય ત્‍યારે માટી નાખીને કે ડામર પેચવર્ક કરવાની પરંપરાગત પધ્‍ધતિ હાલ અમલમાં છે. આ વરસે સરકારે પાકા રોડ પર ગાબડા પૂરવા પ્રથમ વખત નવી ટેકનોલોજીનો પ્રયોગ કરવાનું નકકી કર્યું છે. આધુનિક પ્રકારની સામગ્રીથી રસ્‍તા પરના ખાડા પૂરવામાં આવશે. મરામત ઝડપથી થઇ શકશે અને મરામત પછી એક કલાકમાં તે જગ્‍યા પરથી વાહન પસાર થઇ શકશે. ખરાબ રસ્‍તાના કારણે લોકોના વાહનોને થતા નુકશાનથી બચાવી શકાશે અને મુસાફરીમાં સમય બચાવી શકશે. નવી પધ્‍ધતિનો પ્રયોગ સફળ થાય તો તેનો વ્‍યાપ વધારવામાં આવશે. 

 

(1:37 PM IST)