<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ધોરણ-૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના આવેદન માટેની મુદ્દતમાં વધારો : હવે ૧૬ મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વધુ બે દિવસની અપાઈ રાહત : પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પરિણામ સુધારવા માટે આપી શકશે પરીક્ષા : કન્યાઓ અને દિવ્યાંગોને ફી માંથી મુક્તિ

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬માં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે અથવા જેઓ પોતાનું પરિણામ સુધારવા માંગે છે, તેમના માટે પૂરક પરીક્ષાના આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

 

બોર્ડની સત્તાવાર યાદી મુજબ, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદન કરવાની છેલ્લી તારીખ ૧૪ મે ૨૦૨૬ હતી. હવે વિદ્યાર્થીઓના હિતમાં આ સમયમર્યાદા લંબાવીને ૧૬ મે ૨૦૨૬ના રોજ સાંજના ૧૭:૦૦ કલાક સુધી કરવામાં આવી છે.

 

આ પૂરક પરીક્ષામાં એવા વિદ્યાર્થીઓ બેસી શકશે જેઓ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહ્યા હોય અથવા નાપાસ થયા હોય. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે પરંતુ પોતાના ગુણ કે પરિણામમાં સુધારો કરવા ઈચ્છે છે, તેઓ પણ આ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. આવેદન કરવાની સંપૂર્ણ પ્રક્રિયા શાળાઓ દ્વારા બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં રૂબરૂ કે ટપાલ દ્વારા આવેદન સ્વીકારવામાં આવશે નહીં, તેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.

 

સરકારશ્રીના નિયમ અનુસાર, કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, પૂરક પરીક્ષા-૨૦૨૬ માટે આવા ઉમેદવારોએ પણ ઓનલાઇન આવેદન સબમીટ કરી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. શાળાઓએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે કન્યા કે દિવ્યાંગ ઉમેદવારના સીટ નંબર સામે ટીકમાર્ક કરવાનું રહેશે. જો સીટ નંબર સામે ટીકમાર્ક કરેલું નહીં હોય તો તેવા કિસ્સામાં વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે નહીં. બોર્ડના સચિવ આર. આર. વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઓનલાઇન આવેદન અને ફી ભરવાની તમામ સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

(8:54 PM IST)