<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

અંધશ્રદ્ધાની હદ! દીકરો ભુવો ન બને તે માટે પિતાએ લીધો જીવઃ ૧૦ વર્ષના દીકરાને પછાડી-પછાડીને મારી નાખ્‍યો

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં માનવતાને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી

સાણંદ : તા.૨:અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં માનવતાને શરમાવે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તાલુકાના વીંછિયા ગામમાં એક પિતાએ જ પોતાના ૧૦ વર્ષના માસૂમ પુત્રની હત્‍યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કરણ નરેશભાઈ કોળી પટેલ નામના બાળકની તેના જ પિતા નરેશભાઈએ નિર્મમ હત્‍યા કરી હોવાનું સામે આવ્‍યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, પિતાએ પહેલા પુત્રને ઘરની બહાર ઊંચકીને જમીન પર પછાડ્‍યો હતો અને ત્‍યારબાદ લાકડી વડે જોરદાર પ્રહારો કરી તેની હત્‍યા કરી હતી.

આ કરુણ ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસનો કાફલો તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને સાણંદના ડીવાયએસપી પણ તપાસ માટે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા. પોલીસે હત્‍યામાં ઉપયોગમાં લેવાયેલી લાકડી કબજે કરી હતી અને આરોપી પિતા નરેશભાઈ કોળી પટેલની અટકાયત કરી હતી. સમગ્ર મામલે હત્‍યાનો ગુનો નોંધી સાણંદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનામાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો એંગલ પણ સામે આવ્‍યો છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી નરેશભાઈ પોતાને ભુવા તરીકે ઓળખાવતો હતો. તેણે કથિત રીતે એવું જણાવ્‍યું હતું કે, તેના પિતા ભુવા હતા અને ત્‍યારબાદ તે પોતે ભુવો બન્‍યો હતો. હવે તેનો પુત્ર પણ ભુવો ન બને તે માટે તેણે આ કળત્‍ય કર્યું છે. આરોપીએ માતાજીની દેરી સામે પુત્રને ત્રણ વખત જમીન પર પટકયો હતો અને ત્‍યારબાદ લાકડી વડે માર માર્યો હોવાનું સ્‍વીકાર્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

આરોપીના નિવેદન મુજબ, તે ખાટલા પર બેસીને પોતાને આખા વંશનો ભુવો ગણાવતો હતો. અંધશ્રદ્ધામાં આવીને તેણે પોતાના જ માસૂમ પુત્રનો જીવ લીધો હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. જોકે, આ પાછળના ચોક્કસ કારણો અને ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

બીજી તરફ, પારિવારિક વિખવાદ પણ આ ઘટનાની પળષ્ઠભૂમિમાં હોવાનું જાણવા મળ્‍યું છે. આરોપીની ૩૭ વર્ષીય પત્‍ની ભારતીબેન પટેલ સાથે અગાઉ ઝઘડો થયો હતો. નરેશભાઈએ પત્‍નીને માર મારતાં કંટાળીને ભારતીબેન પોતાના પિયર જતાં રહ્યાં હતાં. જોકે, પુત્રની પરીક્ષા હોવાને કારણે તેમણે બાળકને પિતા પાસે જ રહેવા દીધો હતો. આ દરમિયાન જ માસૂમ કરણ સાથે આ કરુણ ઘટના બની હોવાનું સામે આવ્‍યું છે.

વીંછિયા ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર સાણંદ તાલુકામાં શોક અને આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. એક તરફ પારિવારિક વિખવાદ અને બીજી તરફ અંધશ્રદ્ધાના કથિત વળગણે એક માસૂમ બાળકનો જીવ લીધો હોવાની આશંકા છે. હાલ સાણંદ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને હત્‍યા પાછળનાં તમામ કારણો, ઘટનાક્રમ તથા અન્‍ય પાસાઓની વધુ તપાસ હાથ ધરી રહી છે

(3:01 PM IST)