<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સુરતના અમરોલીમાં ડુપ્લિકેટ સાબુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ : રૂ. 1.81 લાખનો મુદ્દામાલ જપ્ત:એક આરોપીની ધરપકડ

પોલીસે 650 નંગ KOJIC SOAP અને 1000 નંગ MAGIC SOAP સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત શહેરમાં નકલી કોસ્મેટિક્સ અને ડુપ્લિકેટ સાબુ બનાવવાના કૌભાંડનો અમરોલી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસને માહિતી મળી હતી કે અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં નામાંકિત કંપનીઓના નામે બોગસ પેકેજીંગ તૈયાર કરીને ડુપ્લિકેટ સાબુનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી મોટી સંખ્યામાં ડુપ્લિકેટ સાબુ અને કોસ્મેટિક્સ બનાવવામાં આવતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે 650 નંગ KOJIC SOAP અને 1000 નંગ MAGIC SOAP સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત નકલી પેકેજીંગ તથા સાબુ બનાવવામાં ઉપયોગમાં લેવાતી સાધન સામગ્રી પણ પોલીસે જપ્ત કરી હતી. પોલીસે જપ્ત કરેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1,81,200 હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે પોલીસે ઉત્તરાણના 27 વર્ષીય જેમીલ ભરોળીયાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નામાંકિત કંપનીના નામનો ઉપયોગ કરીને બોગસ પેકેજીંગ તૈયાર કરી ડુપ્લિકેટ સાબુનું વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ અમરોલી પોલીસે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. ડુપ્લિકેટ સાબુનું ઉત્પાદન ક્યાં કરવામાં આવતું હતું, આ માલ ક્યાં વેચવામાં આવતો હતો અને આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ નકલી સાબુના આ સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

(9:29 PM IST)