News of Sunday, 12th July 2026
ઊંઝાના દાસજ ગામમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઇ : 6.76 લાખની કિંમતનું અખાધ્ય જીરું અને અન્ય કાચો માલ જપ્ત
વહીવટીતંત્રની સતર્કતા અને SOGની સક્રિય કામગીરીને પગલે આ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના દાસજ ગામમાં નકલી જીરું બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વહીવટીતંત્રની સતર્કતા અને SOGની સક્રિય કામગીરીને પગલે આ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેણે સ્થાનિક સ્તરે અને વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતા આ પ્રકરણમાં પોલીસે લાલ આંખ કરી છે.
ઊંઝાના દાસજ ખાતે આવેલી ‘રીયા ઇન્ડસ્ટ્રીઝ’ નામની ફેક્ટરીમાં નકલી અને અખાધ્ય જીરું બનાવવામાં આવતું હોવાની બાતમી મહેસાણા SOGને મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા ત્યાંથી લાખો રૂપિયાનું અખાધ્ય જીરું અને તેને તૈયાર કરવા માટે વપરાતો શંકાસ્પદ કેમિકલયુક્ત કલર પાવડર મોટી માત્રામાં મળી આવ્યો હતો. આ જીરું દેખાવમાં અસલી જેવું લાગતું હોવા છતાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. પોલીસે આ દરોડા દરમિયાન 6.76 લાખ રૂપિયાની કિંમતનું અખાધ્ય જીરું અને અન્ય કાચો માલ જપ્ત કરી લીધો છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછમાં અન્ય લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે.
આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળનો ગંભીર મુદ્દો સામે લાવી દીધો છે. ઊંઝા જેવું વેપારી મથક, જ્યાં જીરુંનો મોટો વેપાર થાય છે, ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓથી વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો માલ નમૂના માટે લેબમાં મોકલી આપવામાં આવ્યો છે. દાસજ ગામમાં ચાલી રહેલી આ ગેરકાયદેસર ફેક્ટરીના માલિક અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય તત્વોની તપાસ તેજ કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલાડ કરનાર આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકે અને ગ્રાહકોને શુદ્ધ વસ્તુઓ મળી રહે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
