<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

સુરત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલના નામે ફેક વોટ્સએપ એકાઉન્ટ:ખળભળાટ

પ્રોફાઈલ તરીકે કમિશનરનો ફોટો : કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના નામે અન્ય નંબરનો ઉપયોગ કરીને આ પ્રકારે ફેક મેસેજ અને કોલ મોકલીને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો

સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને નિશાન બનાવીને સાયબર ઠગાઈ કરવાનો અને નાગરિકો તથા કર્મચારીઓને ગેરમાર્ગે દોરવાનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલના નામે અને તેમના સત્તાવાર ફોટાનો દુરુપયોગ કરીને અજાણ્યા નંબર પરથી ફેક મેસેજ અને કોલ મોકલીને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, અજાણ્યા નંબર +91 84708 34282 પરથી સાંજે 7:45 થી 8:15 ની વચ્ચે મોટાભાગના અધિકારીઓને શંકાસ્પદ વોટ્સએપ કોલ કરવામાં આવ્યા હતા. આ ફેક વોટ્સએપ એકાઉન્ટ પર પ્રોફાઈલ તરીકે કમિશનરનો ફોટો રાખવામાં આવ્યો હતો અને નામ "~Shri Rajkumar Beniwal, I.A.S." લખવામાં આવ્યું હતું. કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના નામે અન્ય નંબરનો ઉપયોગ કરીને આ પ્રકારે ફેક મેસેજ અને કોલ મોકલીને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જોકે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની સતર્કતા અને સૂઝબૂઝના કારણે આ સાયબર ઠગાઈનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને અધિકારીઓ છેતરાતા બચી ગયા હતા. આવા બનાવટી મેસેજના માધ્યમથી નાગરિકો કે કર્મચારીઓ સાથે નાણાકીય છેતરપિંડી કે અન્ય કોઈ અણબનાવ ન બને તે માટે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે.

 ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ કમિશનરના પી.એ. વિમલ પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે તમામ સત્તાવાર વ્હોટ્સએપ ગ્રૂપમાં આ અંગે જાણ કરવામાં આવી હતી અને તમામ કર્મચારીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. આ મામલે કમિશનર દ્વારા સાયબર ક્રાઈમમાં સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી દેવામાં આવી છે, જેથી આ પ્રકારે છેતરપિંડી આચરનાર ઠગો વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરી શકાય.

 સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કમિશનર કચેરી તરફથી સત્તાવાર કામગીરી સિવાય સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા આ પ્રકારે કોઈ નાણાકીય કે વ્યક્તિગત સહાય માટે સંદેશા મોકલવામાં આવતા નથી. જો આપના પર પણ આ પ્રકારનો કોઈ શંકાસ્પદ કે ફેક મેસેજ આવ્યો હોય, તો તેના પર ભરોસો ન રાખતા સાયબર ક્રાઈમ સેલને તેની જાણ કરવી જોઈએ. તંત્ર દ્વારા આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના પ્રશાસન દ્વારા તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોને વિશેષ અપીલ કરવામાં આવે છે કે કોઈપણ અફવાઓથી દૂર રહેવું, જો ફોન કે મેસેજ આવે તો સાવચેત રહેવું અને આવા ફોન કે મેસેજ સંપૂર્ણપણે ફેક હોવાથી તેનો કોઈ પ્રતિસાદ આપવો નહીં તેમજ અજાણ્યા નંબરથી આવતા આવા શંકાસ્પદ કોલ કે મેસેજ અંગે સંપૂર્ણ સાવચેતી દાખવીને મેસેજ ડિલીટ કરી દેવો.

(9:46 PM IST)