<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

છોટાઉદેપુરના 20 ગામના ખેડૂતો સંકટમાં: વરસાદ ખેંચાતા કપાસ-મકાઈનો પાક સુકાવા લાગ્યો, અઢી કિમી દૂર નર્મદા કેનાલ વહેતી હોવા છતાં પાણી માટે ખેડૂતોના વલખાં

સંખેડા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી, મોટી કેનાલ નજીક હોવા છતાં માઈનોર-સબમાઈનોર કેનાલ ન હોવાથી ખેતરો સુધી પાણી પહોંચતું નથી, ખેડૂતોએ ઢોલ-નગારા સાથે વિરોધ નોંધાવ્યો, તંત્ર સામે રોષ, તાત્કાલિક પાણી છોડવાની માંગ

છોટાઉદેપુર : ચોમાસાની શરૂઆત થઈ હોવા છતાં વરસાદ ખેંચાતા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના 20થી વધુ ગામોના ખેડૂતો ગંભીર સંકટમાં મુકાયા છે. ખેતરોમાં વાવેલો કપાસ, મકાઈ અને તુવેરનો પાક પાણીના અભાવે સુકાવા લાગ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ ગામોથી માત્ર અઢી કિલોમીટર દૂરથી નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે, છતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી.

 

રતનપુર, ભિલવાડા, કવાંટ, પાનવડ સહિતના ગામોના ખેડૂતોએ આજે સુકાઈ ગયેલા ખેતરોમાં ઢોલ-નગારા અને ખાલી કેરબા લઈને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોનું કહેવું છે કે મુખ્ય કેનાલ પાસે હોવા છતાં છેલ્લા 10 વર્ષથી અહીં માઈનોર અને સબ-માઈનોર કેનાલોનું નેટવર્ક બનાવવામાં આવ્યું નથી. પરિણામે નર્મદાનું પાણી ખેતરો સુધી પહોંચી શકતું નથી.

 

એક ખેડૂતે જણાવ્યું, "અમારી નજર સામે કેનાલમાં પાણી વહી જાય છે અને અમારો પાક બળી જાય છે. વરસાદ પણ રિસાયો છે. હવે ખાતર-બિયારણના પૈસા પણ ડૂબી જશે." ખેડૂતોએ ચીમકી આપી છે કે જો 3 દિવસમાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો તેઓ હાઇવે ચક્કાજામ કરશે.

 

આ મામલે નર્મદા નિગમના અધિકારીએ જણાવ્યું કે, "માઈનોર કેનાલની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. હાલ ટેમ્પરરી ધોરણે પાઈપલાઈન દ્વારા પાણી આપવા માટે પ્રયાસ કરીશું."

(2:09 PM IST)