<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

સિંચાઈ વિભાગની બેદરકારી સામે ખેડૂતોનો આક્રોશ: વાવ-થરાદના સરહદી વિસ્તારમાં પાણી ન મળતાં ખેડૂતોએ પોતે પાવડા ઉપાડી કેનાલની સફાઈ શરૂ કરી!

વરસાદ ખેંચાતાં પાક સુકાવાના આરે, તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે હરીપુરા, રાબડી અને પાદર ગામના ખેડૂતો ડિસ્ટ્રીબ્યુટર માઇનોર કેનાલમાં ઉતર્યા: ગ્રાન્ટ વપરાઈ પણ પરિણામ 'ઝીરો' હોવાનો ગંભીર આક્ષેપ

થરા : બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ તાલુકાના સરહદી વિસ્તારોમાં ખેડૂતોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. એક તરફ ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોના મોંઘા ઘાસચારા અને અન્ય પાક સુકાઈ રહ્યા છે, તો બીજી તરફ સિંચાઈ વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલોમાં છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી રહ્યું નથી. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે ધરતીપુત્રોએ જાતે જ પોતાના હાથમાં પાવડા ઉપાડીને કેનાલ સફાઈનું કામ હાથ ધરવું પડ્યું છે.

ધરણીધર તાલુકાના હરીપુરા, રાબડી અને પાદર સહિતના ગામોના ખેડૂતો આજે સવારે મોટી સંખ્યામાં ભેગા થઈને ડિસ્ટ્રીબ્યુટર માઇનોર કેનાલ પર પહોંચ્યા હતા. કેનાલમાં જામી ગયેલી ઝાડી-ઝાંખરા અને કચરાના કારણે પાણી આગળ વધી શકતું ન હતું. ખેડૂતોએ કડક તડકામાં જાતે કેનાલમાં ઉતરીને કચરો દૂર કર્યો હતો જેથી સિંચાઈનું પાણી સમયસર તેમના ખેતરો સુધી પહોંચી શકે અને સુકાઈ રહેલા પાકને બચાવી શકાય.

સરકારી ગ્રાન્ટ ક્યાં ગઈ? ખેડૂતોના આક્રોશભર્યા સવાલો:

સ્થાનિક ખેડૂતોએ તંત્ર સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા કેનાલની સમયસર સફાઈ અને જાળવણી માટે દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છતાં પણ સ્થાનિક અધિકારીઓની લાલિયાવાડી અને બેદરકારીના કારણે સ્થળ પર કામગીરીના નામે મીંડું જ જોવા મળે છે. જો ખેડૂતો જાતે કામ ન કરે તો કરોડોના ખર્ચે બનેલી કેનાલો માત્ર કાગળ પર જ રહી જાય છે. ખેડૂતોએ માંગ કરી છે કે આંગણે આવેલા પાકને બચાવવા માટે તંત્ર તાત્કાલિક ધોરણે પૂરા પ્રવાહથી પાણી છોડે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે.

(6:54 PM IST)