<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

ડેડીયાપાડામાં ખેડૂતોની જમીન પર રૂ.50 હજારની લોન બોલતા ખેડૂત ચોકી ઉઠ્યા, બનાવટી સહી-અંગૂઠાના આક્ષેપ

જાણ વગર જમીન પર બોજો ચઢાવ્યાનો આક્ષેપ! બનાવટી દસ્તાવેજોની ફરિયાદ પોલીસ સુધી પહોંચી:સંયુક્ત જમીન, સહમતિ વગર લોન અને કથિત બનાવટી સહી! ડેડીયાપાડામાં ગંભીર ફરિયાદ:ખેડૂતોની જમીનના કાગળો સાથે ચેડાંનો આક્ષેપ; બોજાની નોંધ સામે પોલીસમાં ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગુલદાચામ ગામની સંયુક્ત માલિકીની ખેતીની જમીનના બોજાની નોંધને લઈને ગંભીર આક્ષેપો સાથે પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી તારસિંગભાઈ કોયજીભાઈ વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના અરજી આપી સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ફરિયાદ મુજબ, સંયુક્ત માલિકીની ખેતીની જમીન પર રૂ.50,000ની લોન મેળવવા માટે બોજાની અરજીમાં ખોટી સહી તથા અંગૂઠાના નિશાનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે જમીનના કેટલાક સહ ખાતેદારોને આ લોન કે બોજા અંગે કોઈ જાણકારી નથી અને તેમની સંમતિ વિના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હોવાની શંકા છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તા.16/05/2025ના રોજ નોટરી સમક્ષ સંમતિપત્ર તૈયાર કરાયો હોવાનો ઉલ્લેખ છે, પરંતુ ફરિયાદી પક્ષે એવો કોઈ સ્ટેમ્પ પેપર ખરીદ્યો ન હોવાનું તેમજ સંમતિપત્રમાં કરાયેલી સહી-અંગૂઠા બનાવટી હોવાની શંકા વ્યક્ત કરી છે.
આ જમીન સંબંધિત બોજાની નોંધ બાબતે મામલતદાર કચેરીમાં રજૂ થયેલા દસ્તાવેજો અને પુરાવાઓની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, બોજાની નોંધ અંગે અરજી દાખલ થયેલી હોવાનું અને ત્યારબાદ ફરિયાદી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયામાં કયા દસ્તાવેજોના આધારે બોજાની નોંધ થઈ, કોની સહીથી અરજી કરવામાં આવી અને દસ્તાવેજો ખરેખર કાયદેસર છે કે નહીં—તે અંગે સઘન તપાસની માંગ ઉઠી છે.
ફરિયાદમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેની સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની ભૂમિકા તપાસવા, તેમજ દસ્તાવેજોની સહી, અંગૂઠાની નિશાની અને જરૂરી હોય તો ઇલેક્ટ્રોનિક રેકોર્ડની પણ તપાસ કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
ફરિયાદમાં આરોપી તરીકે ઘી રોહદા ગ્રુપ કો-ઓપરેટિવ મલ્ટીપર્પસઝ સોસાયટી લિમિટેડ, મામલતદાર (ઇ-ધરા) મામલતદાર કચેરી ડેડીયાપાડા તથા અન્ય વ્યક્તિઓ સામે તપાસની માંગ કરવામાં આવી છે.
ફરિયાદીએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે જો સંયુક્ત માલિકોની જાણ કે સંમતિ વિના તેમની જમીન પર લોનનો બોજો ઊભો કરવામાં આવ્યો હોય અને તેના માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ થયો હોય તો મામલો માત્ર જમીનના બોજાની નોંધ પૂરતો સીમિત રહેતો નથી, પરંતુ ખેડૂતોની મિલકત સાથે છેતરપિંડી અને દસ્તાવેજી ગેરરીતિના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
હવે પોલીસ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે છે કે નહીં અને દસ્તાવેજોની ખરાઈ બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
 આ મુદ્દે રોહદા મંડળી ના ચેરમેન ચંપકભાઈ એ ટેલિફોનીક વાત માં જણાવ્યું કે તારસિગભાઈ એ અગાઉ નોટરી કરેલી ત્યારે મારા સેક્રેટરી એ બધી કામગીરી કરી હતી અને હાલમાં સેક્રેટરી હયાત નથી, પરંતુ હું એટલું ચોક્કસ કહું કે તારસિંગ ભાઈ નો કોઈ બોજો બેંક માં નથી ફક્ત અમારી મંડળી માં બોલે છે, પરંતુ જો એમને મંડળી નથી પણ રૂપિયા લીધા નથી તો, આ માટે તેઓ એક અરજી આપી દે તો હું બીજો કેન્સલ કરાવી એમને સર્ટિ આપી દઈશ.
 હવે આ એકબીજા ઉપરના આક્ષેપો માં કોણ સાચું અને કોણ ખોટું છે એ જાણવા જો વિજિલન્સ તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવે તેમ લાગે છે, કેમ કે આવી ઘણી મંડળીઓ માં આવા ગોરખધંધા થતા હશે માટે સમગ્ર નર્મદા જિલ્લાની મંડળીઓ માં તટસ્થ તપાસ થવી જરૂરી છે

(9:57 PM IST)