News of Saturday, 19th September 2026
‘ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂત': લગ્ન કે રેકોર્ડમાંથી નામ કઢાવવાથી દરજ્જો નહીં જાય
ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો : ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રી લગ્ન કર્યા બાદ પણ ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવતી નથી. એટલું જ નહીં, મહેસૂલી રેકોર્ડમાંથી તેનું નામ છેતરપિંડીથી દૂર કરવામાં આવ્યું હોય તો પણ તેનો મૂળ ખેડૂત દરજ્જો સમાપ્ત થતો નથી

અમદાવાદ તા.૧૯: ગુજરાત હાઈકોર્ટે મહિલાઓના સંપત્તિ અધિકારોના રક્ષણને લગતા મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ખેડૂત પરિવારમાં જન્મેલી પુત્રી લગ્ન કર્યા બાદ પણ ખેડૂત તરીકેનો દરજ્જો ગુમાવતી નથી. એટલું જ નહીં, મહેસૂલી રેકોર્ડમાંથી તેનું નામ છેતરપિંડીથી દૂર કરવામાં આવ્યું હોય તો પણ તેનો મૂળ ખેડૂત દરજ્જો સમાપ્ત થતો નથી. જાસ્ટિસ દિવ્યેશ એ. જોષીએ પોરબંદર કલેક્ટરનો ૧૯ ઓગસ્ટ ૨૦૧૬નો આદેશ રદ કરીને અરજદાર બહેનનું નામ મહેસૂલી રેકોર્ડમાં દર્શાવતી ૨૬ મે ૧૯૯૦ની નોંધો પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો. આ મામલો રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનો હતો.
જસુમતીબહેન નવલદાસ દસાણી તથા અન્યના કેસમાં હાઈકોર્ટે જણાવ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં થયેલા સુધારા બાદ પુત્રીને પણ પિતાની સંપત્તિમાં સહ વારસદાર તરીકેનો અધિકાર મળે છે. માત્ર મહેસૂલી રેકોર્ડમાંથી બહેનનું નામ કાઢી નાખવાથી, ખાસ કરીને છેતરપિડીથી નામ દૂર કરાયું હોય તો, તેનો ખેડૂત તરીકેનો કાયદેસર દરજ્જો ખતમ થઈ શકતો નથી.
હાઈકોર્ટે નોંધ્યું કે સંબંધિત સત્તાધિકારીઓ એ હકીકતને યોગ્ય રીતે ધ્યાનમાં લીધી નહોતી કે અરજદારના ભાઈ રમેશ પાસે વારસામાં મળેલી ખેતીની જમીન હતી. અરજદાર ખેડૂત પરિવારમાં જન્મેલી હોવાથી તેને ખેડૂત તરીકેનો દરજ્જો મળતો હતો. તલાટી-કમ-મંત્રી દ્વારા રેકોર્ડની ચકાસણી બાદ અરજદારને ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેથી તેણે બનાવટી દસ્તાવેજોના આધારે ખેડૂતનો દરજ્જો મેળવ્યો હોવાનું કહી શકાય નહીં. કોર્ટના મતે અરજદાર મૂળથી જ ખેડૂત હતી.
ચુકાદામાં હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે અરજદારના દાદા ખેડૂત હતા અને તેમની ખેતીની જમીન તેમના ત્રણ પુત્રોમાં વહેંચાઈ હતી, જેમાં અરજદારના પિતાનો પણ સમાવેશ થતો હતો. આથી અરજદાર ખેડૂતની પુત્રી અને પૌત્રી હોવાથી જન્મથી જ ખેડૂતનો દરજ્જો ધરાવતી હતી. માત્ર તેનું નામ મહેસૂલી રેકોર્ડમાંથી કથિત છેતરપિંડીથી દૂર કરવામાં આવ્યું હોવાના કારણે આ દરજ્જો છીનવી શકાય નહીં.
અરજદારે ખેડૂત તરીકે ખરીદેલી જમીન બાદમાં નોંધાયેલા વેચાણ દસ્તાવેજો મારફતે તૃતીય પક્ષોને વેચી દીધી હતી અને તેની મહેસૂલી નોંધો પણ કરવામાં આવી હતી. આ તમામ હકીકતોને ધ્યાનમાં લેતાં હાઈકોર્ટે પોરબંદર કલેક્ટરનો ૧૯ ઓગસ્ટ ૨૦૧૬નો વિવાદિત આદેશ રદ કર્યો હતો. સાથે જ ૨૬ મે ૧૯૯૦ની અરજદારનું નામ દર્શાવતી મહેસૂલી નોંધો પુનઃસ્થાપિત કરવાનો હુકમ કર્યો હતો.
આ મામલો રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જસપર ગામનો છે. અરજદાર જસુમતીબહેનના પિતા નાથાલાલનું ૧૯૬૭માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમના ભાઈ રમેશે છેતરપિડી કરીને બનાવટી દસ્તાવેજોના આધારે મહેસૂલી રેકોર્ડમાંથી બહેનનું નામ દૂર કરાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કારણે અરજદારના ખેડૂત તરીકેના અધિકાર અંગે વિવાદ ઊભો થયો હતો. જોકે, પરિવારની ખેતીલાયક જમીનના આધારે સ્થાનિક મહેસૂલી અધિકારીઓએ તેમને ખેડૂત પ્રમાણપત્ર આપ્યું હતું, જેના આધારે તેમણે ૧૯૯૦માં ખેતીની જમીન ખરીદી હતી.
જમીન વ્યવહાર અંગે તૃતીય પક્ષકારોએ વાંધો ઉઠાવી દાવો કર્યો હતો કે અરજદાર ખેડૂત નથી, કારણ કે મૂળ જમીનના રેકોર્ડમાં તેમનું નામ ઉપલબ્ધ નહોતું. આ વાંધા બાદ સત્તાવાળાઓએ કાર્યવાહી શરૂ કરી હતી અને સુઓમોટો કાર્યવાહી હેઠળ જમીન વ્યવહારોની મહેસૂલી નોંધો રદ કરવામાં આવી હતી. બિનખેડૂત વ્યક્તિ ખેતીની જમીનનો વ્યવહાર કરી શકે નહીં તેવી દલીલના આધારે કાર્યવાહી થતાં અરજદાર બહેને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
ખેડૂતની પુત્રી જન્મથી જ ખેડૂતનો દરજ્જો ધરાવે છે અને લગ્ન અથવા મહેસૂલી નોંધમાં છેડછાડથી આ દરજ્જો સમાપ્ત થઈ શકતો નથી.
૧૯૯૦ની મહેસૂલી નોંધો સામે સત્તાવાળાઓએ ૧૯ વર્ષ બાદ સુઓમોટો રીતે પુનરીક્ષણની સત્તાનો ઉપયોગ કર્યો હતો.
કાયદામાં ચોક્કસ સમયમર્યાદા ન હોય તો પણ પુનરીક્ષણની સત્તાનો ઉપયોગ વાજબી સમયગાળામાં થવો જરૂરી છે. અંતિમ નિર્ણય પહેલાં કાયદામાં સુધારો થયો હોય તો સંબંધિત પક્ષકારોને તેની યોગ્ય તક આપવી જરૂરી છે.
પક્ષકારને તક આપ્યા વિના સુધારેલી જોગવાઈના આધારે નિર્ણય કરવો કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમમાં થયેલા સુધારા મુજબ પુત્રી પણ પિતાની સંપત્તિમાં સહ વારસદાર ગણાય છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
