<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીએ દાહોદના પરિવારના ચાર દીકરા-દીકરી અને પત્નીને છીનવી : મોભી હોસ્પિટલમાં

બ્લાસ્ટમાં દાહોદના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત થયા જ્યારે મોભી અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. પરિવારના વડીલે ભારે હૈયે પુત્રવધૂ, ત્રણ પૌત્રીઓ અને એકના એક પૌત્રના મૃતદેહને મુખાગ્નિ આપી

અમદાવાદની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં દાહોદના એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત થયા, જ્યારે મોભી અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. પરિવારના વડીલે ભારે હૈયે પુત્રવધૂ, ત્રણ પૌત્રીઓ અને એકના એક પૌત્રના મૃતદેહને મુખાગ્નિ આપી હતી.

અમદાવાદના રામોલ-ગત્રાડ રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદા તળાઈ ગામના એક જ પરિવારના 5 સભ્યોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં માતા અને તેના ચાર માસૂમ બાળકોના કરુણ મોતથી સમગ્ર પંથક સ્તબ્ધ થઈ ગયો છે. ગઈકાલે જ્યારે એમ્બ્યુલન્સ મારફતે એકસાથે પાંચ મૃતદેહો વતન પહોંચ્યા ત્યારે આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો અને વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

ગોવિંદા તળાઈ ગામના શ્રમિક ભરત ચારેલ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે છેલ્લા 6 વર્ષથી બાળકો અને પત્ની સાથે અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા. બપોરના સમયે અચાનક ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગની ચપેટમાં આખો પરિવાર આવી ગયો હતો. આ દુર્ઘટનામાં ભરતભાઈના પત્ની રમીલાબેન (40 વર્ષ), પુત્રીઓ રીંકુબેન (14 વર્ષ), રવિનાબેન (13 વર્ષ), શિવાનીબેન (11 વર્ષ) અને તેમનો એકમાત્ર 4 વર્ષનો માસૂમ પુત્ર નીરવ આગમાં હોમાઈ ગયા હતા.

જ્યારે પરિવારના મોભી ભરત ચારેલ ગંભીર રીતે દાઝી જતાં હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. આ ઉપરાંત પિછોડા ગામના અન્ય એક દંપતી પણ ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે. જ્યારે ગામના સ્મશાનગૃહમાં એકસાથે પાંચ અર્થીઓ નીકળી ત્યારે ગ્રામજનો પોતાના આંસુ રોકી શક્યા ન હતા. પરિવારના વડીલ વરસિંગ ચારેલે અત્યંત ભારે હૈયે પોતાની પુત્રવધૂ, ત્રણ પૌત્રીઓ અને એકના એક પૌત્રના મૃતદેહને મુખાગ્નિ આપી હતી.

આ ગમગીન ઘટનાની જાણ થતાં જ પુરવઠા મામલતદાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ગોવિંદા તળાઈ ગામે પીડિત પરિવારના નિવાસ્થાને પહોંચ્યા હતા. તંત્ર દ્વારા શોકાતુર પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી અને સરકારના નિયમ મુજબની આર્થિક સહાય વહેલી તકે મળી રહે તે માટેની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, આ ભયાનક આગકાંડમાં કુલ 9 લોકોના મોત અને 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે 'ન્યુ ગુજરાત ફાયર વર્ક્સ' નામની આ ફેક્ટરી સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતી હતી, જેને પોલીસે ગત માર્ચ મહિનામાં જ સીલ કરી દીધી હતી. પરંતુ પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હોવાનો લાભ ઉઠાવીને આરોપીઓએ 20 દિવસ પહેલા જ ફરી ફેક્ટરી ધમધમતી કરી દીધી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સઘન તપાસ કરીને ફરાર મુખ્ય ભાગીદાર મેહુલ ડોડિયાની સાબરમતી વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે, જ્યારે તેની માતા રમીલાબેન અને અન્ય પાર્ટનર સાદિક સૈયદને પણ ઝડપી લેવાયા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે, શ્રમિકોના જીવ સાથે રમત રમનાર ગુનેગારો સામે કડક કાયદાકીય કદમ ઉઠાવીને ફાસ્ટ ટ્રેક પર ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

(11:38 PM IST)