News of Sunday, 25th October 2026
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ની 96મી આવૃત્તિનું આયોજન; સાયબર સુરક્ષા અને પરંપરાગત ભારતીય રમતો દ્વારા ફિટનેસનો સંદેશ
ટીમ ઇન્ડિયાની પેરા-સાયકલિસ્ટ ગીતા રાવ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત; એવરેસ્ટર અને ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર નિશા કુમારીએ યુવા સહભાગીઓને પ્રેરિત કર્યા

અમદાવાદ, ગુજરાત, 25 ઑક્ટોબર 2026: ભારતીય રમત પ્રાધિકરણ (SAI), પ્રાદેશિક કેન્દ્ર, ગાંધીનગર દ્વારા રવિવારે અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ની 96મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતની મુખ્ય થીમ ‘સાયબર સુરક્ષા’ રહી હતી. આ કાર્યક્રમ દ્વારા સાયકલિંગ, શારીરિક તંદુરસ્તી, સાયબર સુરક્ષા અંગે જાગૃતિ, સર્વસમાવેશકતા અને સામુદાયિક સહભાગિતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ટીમ ઇન્ડિયાની પેરા-સાયકલિસ્ટ શ્રીમતી ગીતા રાવ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે એવરેસ્ટર અને ફિટ ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર સુશ્રી નિશા કુમારીની ઉપસ્થિતિએ સહભાગીઓને ફિટનેસ, દૃઢ નિશ્ચય અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા.
*ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)*ના સહયોગથી આયોજિત સાયકલ રેલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર 1 પરથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીનું સમાપન ડેકાથલોન સ્પોર્ટ્સ કેમ્પસ ખાતે થયું હતું. મોટી સંખ્યામાં ઉત્સાહી યુવા સહભાગીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આશરે 3.5 કિલોમીટરનું સાયકલિંગ કરીને ફિટનેસ, સર્વસમાવેશકતા તથા સાયબર સુરક્ષા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ઊર્જાસભર ઝુમ્બા સત્રથી થઈ હતી. ત્યારબાદ સહભાગીઓ માટે ચેસ, ફૂસબોલ, લૂડો, બેડમિન્ટન, વોલીબોલ સહિત વિવિધ મનોરંજક અને રમતગમતની પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા સહભાગીઓને ફિટનેસની સાથે મનોરંજન, પરસ્પર સંવાદ અને સામુદાયિક જોડાણની તક મળી હતી.
સતત ચાલી રહેલા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે કાર્યક્રમમાં વિશેષ ‘ફિટ ઇન્ડિયા ગેમ્સ ઝોન’ પણ બનાવવામાં આવ્યો હતો, જ્યાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક પરંપરાગત ભારતીય રમતોમાં ભાગ લીધો હતો. આ પહેલનો હેતુ લોકોને ભારતની સમૃદ્ધ રમતગમતની પરંપરા સાથે જોડવા ઉપરાંત શારીરિક સક્રિયતા, ટીમવર્ક, સંકલન અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.
કાર્યક્રમ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સંદેશ *“ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ”*ને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. નાગરિકોને દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ માટે ફાળવવા અને ફિટનેસને પોતાની દિનચર્યાનો અભિન્ન ભાગ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાયબર સુરક્ષાની થીમ દ્વારા ડિજિટલ વિશ્વમાં સતર્ક અને જવાબદાર વર્તનના મહત્વ અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ની 96મી આવૃત્તિએ સાયકલિંગ, પરંપરાગત ભારતીય રમતો અને જનજાગૃતિને એક મંચ પર લાવીને સ્વસ્થ જીવનશૈલી, નિયમિત શારીરિક પ્રવૃત્તિ, સર્વસમાવેશકતા અને સાયબર સુરક્ષાના મહત્વનો સંદેશ આપ્યો હતો.
ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ વિશે
ડિસેમ્બર 2024માં કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ફિટ ઇન્ડિયા – સન્ડેઝ ઑન સાયકલ’ પહેલનું આયોજન યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય (MYAS) હેઠળ ભારતીય રમત પ્રાધિકરણ (SAI) દ્વારા સાઇકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (CFI), નવવ્રતિ ફાઉન્ડેશન, ફિટસ્પાયર, સેન્ટર ફોર ઇન્ટિગ્રેટિવ હેલ્થ, MY Bharat તથા અન્ય સહયોગી સંસ્થાઓ સાથે મળીને કરવામાં આવે છે.
આ સાયકલિંગ અભિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે યોજાય છે. તેમાં SAIના પ્રાદેશિક કેન્દ્રો, નેશનલ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (NCOEs), SAI ટ્રેનિંગ સેન્ટર્સ (STCs), ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર્સ ઑફ એક્સેલન્સ (KISCEs) અને ખેલો ઇન્ડિયા સેન્ટર્સ (KICs)ની ભાગીદારી રહે છે
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
