News of Wednesday, 30th September 2026
ઈડરના મણિયોર ગામમાં પંચાયતની કામગીરીને લઈને વિવાદ વચ્ચે એકસાથે પાંચ સભ્યોના રાજીનામા
ગૌચર જમીનના એક સર્વે નંબરને લઈને માટી ખનન અંગેની ફરિયાદો અને સરકારી તંત્રની કાર્યવાહી પણ ચર્ચામાં

ઈડર તાલુકાના મણિયોર ગામમાં ગ્રામ પંચાયતની કામગીરીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજીનામાનો ઘટનાક્રમ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ઉપસરપંચ કનુભાઈ પટેલ સહિત પાંચ સભ્યોએ સરપંચને લેખિતમાં રાજીનામા આપ્યા છે. વિકાસ કામો, પંચાયતની કામગીરી અને ગૌચર જમીનમાં માટી ખનનના મુદ્દાઓ વચ્ચે આ ઘટનાથી સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે.
મણિયોર ગ્રામ પંચાયતની હદમાં આવેલા સર્વે નંબર 175ની ગૌચર જમીનમાં લાંબા સમયથી કથિત માટી ખનન અંગે ફરિયાદો થતી હોવાની માહિતી છે. સરપંચ તરફથી ઈડર પોલીસને કરાયેલી રજૂઆતમાં રાત્રિના સમયે JCB અને ટ્રેક્ટરની મદદથી માટી ખનન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીની સ્થળ તપાસ દરમિયાન ગૌચર જમીનમાં ખનન થયાનું જણાતા પંચાયતને કાર્યવાહી માટે નોટિસ આપવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે.
આ દરમિયાન મણિયોરની સીમમાં આવેલા ગૌચર વિસ્તારમાં ગાંધીનગર ભૂસ્તર વિભાગની ટીમે દરોડો પાડ્યો હોવાની માહિતી છે. કાર્યવાહી દરમિયાન ત્રણ ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાય છે. ત્યારબાદ આ મામલે હિંમતનગર ભૂસ્તર વિભાગને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રોનું કહેવું છે.
મણિયોર ગ્રામ પંચાયતની બેઠક તથા વિકાસ કામોને લગતા નાણાકીય વ્યવહાર અંગેના કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાની માહિતી છે. વીડિયોમાં કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે, જોકે તેની પૃષ્ઠી થઈ નથી. તેથી વીડિયોમાં કરાયેલા દાવાઓને હાલ આક્ષેપ તરીકે જ જોવાના રહે છે.
રાજીનામું આપનાર સભ્યોએ પંચાયતની કામગીરી અને વિકાસ કામો અંગે અસંતોષ વ્યક્ત કરી નૈતિક જવાબદારીના ભાગરૂપે પદ છોડ્યાનો ઉલ્લેખ કર્યો હોવાનું જણાવાય છે. બીજી તરફ ઈડર તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરીએ પોતાની પાસે હજુ કોઈ રજૂઆત કે રાજીનામું આવ્યું ન હોવાનું જણાવ્યું છે. હવે સમગ્ર મામલે સત્તાવાર રેકોર્ડ અને તપાસ બાદ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
