News of Friday, 8th May 2026
સુરતના પૂર્વ મેયર અને શિક્ષણવિદ ડો. કનુભાઈ માવાણીનું દુઃખદ નિધન : સુરત ખાતે આવતીકાલે સવારે 8 વાગ્યે અંતિમયાત્રા નીકળશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને પૂર્વ ધારાસભ્ય તરીકે બહુમૂલ્ય પ્રદાન આપનાર પીઢ અગ્રણીએ લીધી વિદાય : વરાછા રોડ સ્થિત નિવાસસ્થાનેથી અશ્વિનીકુમાર સ્મશાનગૃહ જશે અંતિમયાત્રા

સુરત:સુરતના જાહેર જીવનના અગ્રણી, શિક્ષણવિદ અને પૂર્વ મેયર ડો. કનુભાઈ ગોવિંદભાઈ માવાણીનું તારીખ 08/05/2026, શુક્રવારના રોજ દુઃખદ નિધન થયું છે. સામાજિક સેવા, શિક્ષણ અને સુશાસન ક્ષેત્રે જેમનું યોગદાન હંમેશા યાદગાર રહેશે તેવા ડો. માવાણીના અવસાનથી સુરત સહિત દેશભરના શૈક્ષણિક જગતમાં મોટી ખોટ પડી છે.
શિક્ષણ અને રાજકારણના સમન્વય સમાન વ્યક્તિત્વ:
સ્વ. ડો. કનુભાઈ માવાણીએ સુરતના મેયર તરીકે શહેરના વિકાસમાં અને પૂર્વ ધારાસભ્ય તરીકે જનપ્રતિનિધિ તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તરીકે તેમણે શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારાઓ અને શૈક્ષણિક પ્રગતિ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમનું સરળ વ્યક્તિત્વ અને સુશાસન માટેની તેમની ધગશ હંમેશા નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.
આવતીકાલે અંતિમ સંસ્કાર:
પરિવારના જણાવ્યા અનુસાર, ડો. કનુભાઈ માવાણીની અંતિમયાત્રા આવતીકાલે તારીખ 09/05/2026 ને શનિવારના રોજ સવારે 08:00 કલાકે તેમના સુરત સ્થિત નિવાસસ્થાનેથી નીકળશે. વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલી 79, ગુરૂનગર સોસાયટીથી નીકળીને આ અંતિમયાત્રા અશ્વિનીકુમાર સ્મશાનગૃહ ખાતે પહોંચશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ દુઃખદ અવસરે તેમના પુત્રીઓ બીનાબેન પાઘદાર, દિપ્તીબેન નવાપરા, આશાબેન માંગુકિયા અને સોનલબેન લાઠિયા તેમજ તેમના ભાઈઓ ભીમજીભાઈ માવાણી, ડો. વજુભાઈ માવાણી અને વિનુભાઈ માવાણી સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ છે. ડો. માવાણીના નિધનના સમાચાર મળતા જ સુરત સહિત દેશભરનાં રાજકીય અને સામાજિક અગ્રણીઓએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
