News of Sunday, 27th September 2026
સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ચાર આરોપીની ધરપકડ : માફી મંગાવી
ગાડી પગ નજીકથી પસાર થતા બબાલ થઇ હતી : પોલીસે બે સગીર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરી:આરોપીઓએ બે હાથ જોડીને કરેલા કૃત્ય બદલ માફી માગી .

સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરી છે. આ મામલે પ્રવીણ તિવારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, પ્રવીણ તિવારીના ભાઈ પ્રમોદ તિવારી પર આદિત્ય, નિકિત સહિત ચાર શખ્શોએ હુમલો કર્યો હતો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ પોતાની બોલેરો ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ગાડી પ્રમોદ તિવારીના પગ નજીકથી પસાર કરવામાં આવી હતી. આ બાબતે ફરિયાદી અને તેના ભાઈએ ગાડી ઉભી રખાવી હતી. ત્યારબાદ આરોપીઓએ બંને સાથે મારામારી કરી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો 25 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ પાંડેસરા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે બે સગીર સહિત કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ આરોપીઓ માફી માગતા જોવા મળ્યા હતા. આરોપીઓએ બે હાથ જોડીને કરેલા કૃત્ય બદલ માફી માગી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
