News of Wednesday, 28th October 2026
ગાંધીનગર કોર્પોરેશનમાં ૮૦ લાખના કામની AI થી ફોટા-સર્ટીફીકેટ મૂકી કામગીરી પર્ણ દર્શાવી :કૌંભાડ ખુલ્યુ
વોર્ડ નં. ૧૧ માં રોડ, પેવર બ્લોક સહિતના વર્ક ઓર્ડર અપાયેલઃ પેટા કોન્ટ્રાકટરનું કૌંભાડઃ ઇજનેરો સામે હોવાનો આક્ષેપ

ગાંધીનગરઃ તા.ર૮, મહાનગરપાલિકાની ઇજનેરી શાખામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી બનાવટી ફોટોગ્રાફ્સ અને સર્ટિફિકેટ તૈયાર કરીને બિલ મંજૂર કરાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. વોર્ડ નંબર ૧૧માં જમીન પર કોઈ કામ કર્યા વિના કામ પૂર્ણ થયાનું દર્શાવી બિલ મંજૂર કરાવવા માટે ફાઇલ રજૂ કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પ્રકરણમાં મ્યુનિસિપલ કમિશનરે પ્રાથમિક તબક્કે જવાબદાર ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
ગાંધીનગર મનપાના વોર્ડ નંબર ૧૧માં શેડ, પેવર બ્લોક, ચેઇન લિંક ફેન્સિંગ અને આંતરિક રસ્તાઓના નિર્માણ માટે અલગ-અલગ એજન્સીઓને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ કામોમાં મુખ્ય કોન્ટ્રાકટર તરીકે સમીર કન્સ્ટ્રકશન એજન્સીને જવાબદારી સોંપવામાં આવી હતી. આ એજન્સીએ અંદાજે ૭૦ થી ૮૦ લાખ રૃપિયાનું કામ પેટા કોન્ટ્રાકટર તરીકે અન્ય વ્યકિતને સોંપ્યું હતું.
તપાસમાં હર્ષવર્ધન નામના વ્યકિતનું નામ સામે આવ્યું છે, જે અગાઉ ગાંધીનગર મનપાની ઇજનેરી શાખામાં આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવી ચૂકયો હતો. આક્ષેપ મુજબ, વોર્ડના કામકાજનું મોનિટરિંગ કરતા ઇજનેરો સાથે સાંઠગાંઠ કરીને સ્થળ પર વાસ્તવિક કામ કર્યા વિના બિલ રજૂ કરવાની યોજના દ્યડવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણમાં ઇજનેરી શાખાના ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર નંદીશ માંડલિયા સહિત જવાબદાર ઇજનેરોની ભૂમિકા અંગે સવાલો ઊભા થયા છે. તેમની મિલીભગત હોવાના આક્ષેપો વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે પ્રથમ તબક્કે ઇજનેરોની સામૂહિક બદલીના આદેશ આપ્યા છે.
હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કથિત કૌભાંડમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓ કે કર્મચારીઓની ભૂમિકા સામે આવે તો તેમની સામે પણ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા છે. આ પ્રકરણમાં મહાનગરપાલિકાની બિલ મંજૂરી પ્રક્રિયા અને કામોની ચકાસણી વ્યવસ્થા પણ ચર્ચામાં આવી છે
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
