News of Monday, 4th May 2026
અમદાવાદમાં શેરબજારમાં રોકાણના બહાને લોકોને લૂંટતી રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ: સુરતના ત્રણ શખ્સોની ધરપકડ
વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોને 200 ટકા જેવો અકલ્પનીય નફો આપવાની લાલચ આપી જાળમાં ફસાવતા: આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 17.90 લાખ રૂપિયા જમા કરાવી લીધા

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે શેરબજારમાં રોકાણના નામે નિર્દોષ લોકોને લૂંટતી રીઢા ગુનેગારોની ટોળકીનો પર્દાફાશ કર્યો છે. ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી પોલીસે સુરતના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેઓ વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોને 200 ટકા જેવો અકલ્પનીય નફો આપવાની લાલચ આપી જાળમાં ફસાવતા હતા. આ ટોળકીએ અત્યાર સુધી અનેક લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ઠગ ટોળકી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર "Stock Market Forum 38" નામનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં શેરબજારના નિષ્ણાતો હોવાનો ડોળ કરીને રોકાણકારોને માસિક 200% સુધીના વળતરનો લોભ બતાવવામાં આવતો હતો. શરૂઆતમાં શેરબજારની સચોટ માહિતી આપી લોકોનો વિશ્વાસ જીત્યા બાદ, આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 17.90 લાખ રૂપિયા જમા કરાવી લીધા હતા. એકવાર રકમ જમા થઈ ગયા પછી આરોપીઓએ વળતર આપવાનું બંધ કરી દેતા ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને મામલો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર બુહા, શૈલેષ રંગપરીયા અને પિયુષ સોલંકીનો સમાવેશ થાય છે, જેઓ મૂળ સુરતના રહેવાસી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ આરોપીઓ માત્ર કમિશન મેળવવા માટે અન્ય વ્યક્તિઓના નામે બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ મેળવતા હતા. આ એકાઉન્ટ્સ લખનઉના કેટલાક અજાણ્યા સાયબર માફિયાઓને સોંપવામાં આવતા હતા, જેઓ છેતરપિંડીના નાણાં આ ખાતાઓમાં ટ્રાન્સફર કરતા હતા. બદલામાં સુરતની આ ટોળકીને નિશ્ચિત કમિશન મળતું હતું. પોલીસે હાલ આ ગુનામાં વપરાયેલા ટેકનિકલ પુરાવાઓ કબજે કર્યા છે અને આ આંતરરાજ્ય ગેંગના અન્ય સભ્યો તેમજ મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. શેરબજારના નામે થતા આવા ડિજિટલ ફ્રોડથી બચવા માટે પોલીસે લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે.
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
