News of Monday, 7th September 2026
અંબાજી અને રણુજા તરફ જતા ભક્તોના વાહનો પર પથ્થરમારો કરી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ: પાંચ આરોપીઓ ઝડપાયા
ગનાપીપળી ઢાળ પાસે કાર પર હુમલો અને છરી બતાવી લૂંટનો પ્રયાસ: પોલીસે ગણતરીના દિવસોમાં પાંચ આરોપીઓને ઝડપી હથિયારો અને મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

બનાસકાંઠામાં રણુજા અને અંબાજી તરફ દર્શન માટે જતા ભક્તોને નિશાન બનાવી વાહનો પર પથ્થરમારો કરી લૂંટ ચલાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હડાદ પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં ગેંગના પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી લૂંટની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયારો તેમજ મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભક્તોના વાહનોને પર પથ્થરમારો કરી લૂંટ ચલાવવાની ઘટનાઓ સામે આવી હતી. રણુજા અને અંબાજી તરફ વાહનો લઈને જતા ભક્તોને આરોપીઓ નિશાન બનાવતા હતા. ગેંગ દ્વારા અંધારાનો લાભ લઈ વાહનો પર હુમલો કરવામાં આવતો અને બાદમાં ભયનો માહોલ ઊભો કરી લૂંટ ચલાવવામાં આવતી હતી.
30 ઓગસ્ટના રોજ હડાદથી અંબાજી તરફ જતા માર્ગ પર ગનાપીપળી ઢાળ પાસે ફરિયાદીની કાર પર આરોપીઓએ હુમલો કર્યો હતો. કાર પર પથ્થરમારો કર્યા બાદ આરોપીઓએ હુમલો કરી છરી બતાવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા હડાદ પોલીસ હરકતમાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હડાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા મળેલી માહિતી અને વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં પોલીસને આરોપીઓ અંગે કડી મળી હતી અને એક પછી એક ગેંગના પાંચેય સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે ઝડપાયેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો તથા મોટરસાઇકલ કબજે કરી છે. હવે પોલીસે આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારની કેટલી ઘટનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ભક્તોના વાહનોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાતા અંબાજી જતા શ્રદ્ધાળુઓમાં પણ રાહત જોવા મળી છે.
(11:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
