News of Saturday, 17th October 2026
અમદાવાદમાં 'અનમોલ પાર્ટી પ્લોટ' બહાર ગરબાનો શો પૂરો થયા છતાં ઓસર્યો નહીં માનવસાગર: સિંગર રિદ્ધી વ્યાસની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ!
છઠ્ઠા નોરતે લોકપ્રિય કલાકારના અવાજ પર ઝૂમવા ઉમટેલા હજારો ખેલૈયાઓના ભારે ઘોડાપૂરથી રસ્તાઓ થયા જામ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો અદભુત વીડિયો

અમદાવાદ : નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ગુજરાતભરમાં માતાજીની આરાધના અને ગરબાની અસલી રમઝટ જોવા મળી રહી છે. તેવામાં અમદાવાદના જાણીતા 'અનમોલ પાર્ટી પ્લોટ' ખાતે છઠ્ઠા નોરતે યોજાયેલી ભવ્ય ગરબા નાઈટે સોશિયલ મીડિયા પર ધમાકો મચાવી દીધો છે. સુપ્રસિદ્ધ સિંગર રિદ્ધી વ્યાસના સૂર અને તાલ પર ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓનું એવું તો ઘોડાપૂર ઉમટ્યું હતું કે, કાર્યક્રમ પૂરો થયા બાદ ખુદ સિંગરની ગાડી પણ ભારે ભીડ અને ટ્રાફિકને કારણે બહાર નીકળી શકી નહોતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવરાત્રિના છઠ્ઠા નોરતે અમદાવાદના પ્રતિષ્ઠિત અનમોલ પાર્ટી પ્લોટમાં આયોજિત ગરબા મહોત્સવમાં યુવા વર્ગમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકપ્રિય કલાકાર રિદ્ધી વ્યાસના અવાજમાં ગુંજતા ગરબાઓ પર ખેલૈયાઓ આખી રાત મંત્રમુગ્ધ થઈને ઝૂમ્યા હતા. પ્લોટની અંદર ડાન્સ ફ્લોર પર તો માનવમેદની ઉમટી જ હતી, પરંતુ અરેરાટી ફેલાવી દે તેવી ભીડ પાર્ટી પ્લોટની બહાર પણ જોવા મળી હતી.
આ ભવ્ય આયોજનની લોકપ્રિયતા અને ભીડનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે, સિંગર રિદ્ધી વ્યાસે પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, "ગાડી અમારી બહાર નીકળી શકે તેમ નથી, બહાર પણ ગરબાનો શો પત્યા પછી ખૂબ જ ટ્રાફિક છે. આ વીડિયો જોઈને તમને અંદાજો આવશે કે આજના શોમાં કેવું ક્રાઉડ હતું અને શો કેવો રહ્યો હશે."
વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાર્ટી પ્લોટની બહાર હજારોની સંખ્યામાં લોકોનો માનવસાગર ઉમટ્યો છે અને વાહનોની લાંબી કતારો લાગી જવાથી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. શો પૂરો થયા બાદ પણ ગરબાપ્રેમીઓનો ઉત્સાહ ઓસરવાનું નામ લેતો નહોતો અને લોકો રસ્તાઓ પર જ જાણે ગરબાના માહોલમાં લિન હતા.
લોકપ્રિય કલાકારની એક ઝલક મેળવવા અને તેમના અવાજ પર થનગનાટ કરવા માટે દર્શકોમાં અદભુત ક્રેઝ જોવા મળ્યો હતો. આ ભવ્ય અને અવિસ્મરણીય આયોજને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે અમદાવાદમાં નવરાત્રિનો અસલી રોમાંચ અને ઉત્સાહ કયા શીર્ષ સ્તરે હોય છે. આ વાયરલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર 'ટોક ઓફ ધ ટાઉન' બન્યો છે અને ગરબાપ્રેમીઓમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
