<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ઝઘડિયા GIDC વિસ્તારમાં 'એક્યુટાસ કેમિકલ કંપની'માં ટેકનિકલ ખામી સર્જાતા ગેસ લીકેજ: બે કામદારોને અસર

ગેસની અસર પામેલા બંને કામદારોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDC વિસ્તારમાં ફરી એકવાર ગેસ લિકેજની ઘટના સામે આવતા આસપાસની કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અહીં આવેલી 'એક્યુટાસ કેમિકલ કંપની'માં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ગેસ લીકેજ થયો હતો. ઔદ્યોગિક સુરક્ષાને લઈને વારંવાર ઉઠતા સવાલો વચ્ચે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને સેફટી ઓફિસરો દોડતા થઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, કંપનીમાં કામકાજ ચાલુ હતું તે દરમિયાન બોઈલરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે બોઈલરમાંથી ઝેરી ગેસ લિકેજ થવાનું શરૂ થઈ ગયું હતું. આ ગેસની ઝપેટમાં પ્લાન્ટમાં હાજર બે કામદારો આવી ગયા હતા. ગેસ શ્વાસમાં જવાથી બંને કામદારોને ગૂંગળામણ થવા લાગી હતી અને તેમની તબિયત લથડી હતી. ઘટનાની જાણ થતા જ કંપનીના અન્ય કર્મચારીઓ અને મેનેજમેન્ટ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. ગેસની અસર પામેલા બંને કામદારોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, સમયસર સારવાર મળતા બંને કામદારોની હાલત હાલ સ્થિર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ઝઘડિયા GIDCમાં વારંવાર બનતી આવી ઘટનાઓ ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે. બોઈલરમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો અને ગેસ લીકેજ રોકવાની સિસ્ટમ કેમ નિષ્ફળ ગઈ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ આ મામલે વિગતો મંગાવવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

(9:14 PM IST)