<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ભીલાડ નજીક નેશનલ હાઈવે પર ચાલતા ગેસ ચોરીના કૌભાંડનો પર્દાફાશ: 63 લાખનો મુદ્દામાલ જપ્ત:ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ

હાઈવે પર ગેસ ટેન્કરમાંથી જોખમી રીતે ગેસ ચોરી કરી સિલિન્ડરોમાં ભરવાનું મસમોટું રેકેટ ઝડપાયું

વલસાડ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાને એક મોટી સફળતા મળી છે, જેમાં હાઈવે પર ગેસ ટેન્કરમાંથી જોખમી રીતે ગેસ ચોરી કરી સિલિન્ડરોમાં ભરવાનું મસમોટું રેકેટ ઝડપાયું છે. ભીલાડ નજીક નેશનલ હાઈવે પર ટેન્કરના ચાલક અને તેના મળતીયાઓ દ્વારા આચરવામાં આવતા આ કાળા કારોબારનો પોલીસે બાતમીના આધારે પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 63.86 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

 

વલસાડ SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ભીલાડ નજીક એક ગેસ ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ઘટનાસ્થળેથી ટેન્કર ચાલક ભીમ શિવકુમાર યાદવ, ટ્રાન્સપોર્ટ ઓફિસનો કર્મચારી સુરેશ ઉર્ફે ખારો પ્રકાશ ગોદારા અને ગેસ સ્ટવ રીપેરીંગ કરતો અશોક બાબુરામ ગોદારાની રંગેહાથ ધરપકડ કરી હતી. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો સતપાલ ગોદારા હાલ પોલીસ પકડથી દૂર છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટેન્કર પીપાવાવ બંદરથી 17.480 મેટ્રિક ટન એલપીજી (LPG) ગેસ ભરીને ઉમરગામના એક કાયદેસરના ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં જઈ રહ્યું હતું. જોકે, ટેન્કર ચાલકે વધુ પૈસા કમાવવાની લાલચે પ્લાન્ટ પહોંચતા પહેલા જ રસ્તામાં જ ટેન્કરમાંથી ગેસ કાઢીને અન્ય કોમર્શિયલ સિલિન્ડરોમાં ભરવાનું શરૂ કર્યું હતું. આ રીતે ચોરીનો ગેસ બજારમાં ઊંચા ભાવે બ્લેકમાં વેચીને મોટી કમાણી કરવાનું આખું કાવતરું ઘડાયું હતું.

ગેસ રિફિલિંગની પ્રક્રિયા અત્યંત ટેકનિકલ અને જોખમી હોય છે, જે માત્ર માન્ય પ્લાન્ટમાં જ કરી શકાય છે. હાઈવે પર ખુલ્લી જગ્યામાં કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર ટેન્કરમાંથી સિલિન્ડરોમાં ગેસ ટ્રાન્સફર કરવો એ જીવતો બોમ્બ રાખવા સમાન છે. એક નાની અમથી ચિંગારી પણ હાઈવે પર મોટી જાનહાનિ સર્જી શકી હોત. તેમ છતાં, આરોપીઓએ સામાન્ય જનતાના જીવને જોખમમાં મૂકીને આ કૌભાંડ ચલાવ્યું હતું.

 

(8:02 PM IST)