News of Monday, 12th October 2026
વિસનગરમાં યુવતી પર આઠ વર્ષ સુધી દુષ્કર્મ: માતાજીના નામે ધમકી આપી અલગ અલગ ગેસ્ટ હાઉસમાં શોષણ કર્યું
અન્ય બે શખ્સોએ પણ શારીરિક સંબંધની માંગણી કરી હોવાનો આરોપ :વિસનગર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

મહેસાણા જિલ્લાના વિસનગરમાં આસ્થા અને અંધશ્રદ્ધાનો સહારો લઈને એક મહિલા પર આઠ વર્ષ સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે કીર્તિભાઈ ચૌધરી નામના શખ્સે માતાજીના નામે ડરાવી-ધમકાવી મહિલાને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ વિસનગર અને વિજાપુરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. આ કેસમાં અન્ય બે શખ્સોની પણ સંડોવણી સામે આવતાં વિસનગર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, મુખ્ય આરોપી કીર્તિભાઈ ચૌધરીએ શરૂઆતમાં મહિલાનો વિશ્વાસ મેળવ્યો હતો. ત્યારબાદ માતાજીના નામે ભય ઊભો કરીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યાનો આરોપ છે. મહિલાએ સંબંધ બાંધવાનો ઇનકાર કર્યો તો પરિવારને નુકસાન થશે તેવી ધમકી આપવામાં આવતી હતી.
ગંભીર આક્ષેપ છે કે આરોપી યુવતીને વિજાપુર અને વિસનગર વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જતો હતો. અહીં તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ પ્રકારનું શોષણ આઠ વર્ષ સુધી ચાલ્યું હોવાની રજૂઆત થતાં સમગ્ર મામલો પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કેસમાં મુખ્ય આરોપી ઉપરાંત અન્ય બે શખ્સો સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, બંનેએ મહિલા પાસે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરી હતી. આથી પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે.
યુવતીની ફરિયાદના આધારે વિસનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. લાંબા સમયથી ચાલતા કથિત શોષણ અંગે નોંધાયેલી ફરિયાદમાં ધમકી, વિશ્વાસનો દુરુપયોગ અને દુષ્કર્મ જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સમગ્ર ઘટનાક્રમ અને આરોપીઓની સંડોવણી અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
આ ઘટનામાં ધાર્મિક આસ્થાના નામે ભય ઊભો કરીને મહિલાનું કથિત શોષણ કરવામાં આવ્યું હોવાની બાબત સામે આવી છે. આ કેસમાં ફરિયાદના આક્ષેપોની સત્યતા, ગેસ્ટ હાઉસ સાથે સંકળાયેલા પુરાવા અને ત્રણેય આરોપીઓની ભૂમિકાની તપાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
