<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

પ્લાસ્ટિક કચરો આપો અને ઘરે લઈ જાઓ ઇકો ફ્રેન્ડલી ‘બાપ્પા’: અમદાવાદ કોર્પોરેશનની અનોખી પહેલ

ગણેશોત્સવમાં પર્યાવરણ બચાવવાનો સંદેશ, 1 કિલો કે તેથી વધુ પ્લાસ્ટિક આપનારને મળશે ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ; શહેરના સાતેય ઝોનમાં અભિયાન

અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પર્યાવરણ રક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા માટે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલમાં નાગરિકોને એક કિલો કે તેથી વધુ સ્વચ્છ અને અલગ કરેલો પ્લાસ્ટિક કચરો આપવાના બદલામાં ગાયના છાણમાંથી બનાવેલી પર્યાવરણને અનુકૂળ ગણેશજીની મૂર્તિ આપવામાં આવશે.

એટલે કે નાગરિકો ઘરમાં એકત્રિત થયેલો પ્લાસ્ટિક કચરો યોગ્ય સ્થળે પહોંચાડશે અને તેના બદલામાં ભગવાન ગણેશની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ ઘરે લઈ જઈ શકશે. પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા સાથે નાગરિકોમાં કચરાના યોગ્ય વ્યવસ્થાપન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના તમામ સાત ઝોનમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ લાભ મર્યાદિત સંખ્યામાં નાગરિકોને જ મળશે. દરેક ઝોનમાં પ્રથમ 100 નાગરિકોને મૂર્તિ આપવામાં આવશે અને સમગ્ર વિતરણ વ્યવસ્થા ‘ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ’ના ધોરણે રહેશે. આ પહેલ દ્વારા AMCએ ગણેશોત્સવની ધાર્મિક લાગણી સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જોડવાનો પ્રયાસ કર્યો છે.

 

 

કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલી આ પહેલ હેઠળ 14 સપ્ટેમ્બર સુધી દરમિયાન ગણેશજીની મૂર્તિનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.  નાગરિકોએ પોતાના ઘરમાંથી એકત્રિત કરેલો સ્વચ્છ અને અલગ કરેલો પ્લાસ્ટિક કચરો પોતાના સંબંધિત ઝોનલ કચેરી ખાતે લઈ જવાનો રહેશે. આ માટે ખાસ કરીને એક કિલો કે તેથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવાની અપીલ કરવામાં આવી છે. પ્લાસ્ટિક કચરો આપ્યા બાદ નાગરિકોને ગાયના છાણમાંથી બનાવેલી પર્યાવરણને અનુકૂળ ગણેશ મૂર્તિ આપવામાં આવશે. મૂર્તિ વિતરણનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે શનિવાર અને રવિવારના દિવસોમાં પણ આ અભિયાન ચાલુ રહેશે. દરેક ઝોનમાં પ્રથમ 100 નાગરિકોને જ મૂર્તિનો લાભ મળવાનો હોવાથી જે લોકો આ પહેલમાં જોડાવા માગે છે તેમણે સમયસર પ્લાસ્ટિક કચરો લઈને સંબંધિત ઝોનલ કચેરી પર પહોંચવું પડશે. આ રીતે AMC એક તરફ પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપી રહ્યું છે, તો બીજી તરફ ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓના ઉપયોગનો સંદેશ પણ આપી રહ્યું છે.

(3:25 PM IST)