News of Monday, 18th May 2026
અમદાવાદ એરપોર્ટ કાર્ગો ટર્મિનલમાંથી કરોડોના ગોલ્ડ ચોરીનો ભેદ ઉકેલાયો: 2.58 કરોડના સોનાની ઉઠાંતરી: 7 આરોપીઓ ઝડપાયા
એરપોર્ટ કાર્ગો ટર્મિનલમાં જ કામ કરતા સિક્યોરિટી અને વહીવટી સ્ટાફના કર્મચારીઓ આ ગુનાના મુખ્ય સૂત્રધાર નીકળ્યા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલા એર કાર્ગો ટર્મિનલમાંથી અગાઉ થયેલી કરોડો રૂપિયાના સોનાની ચોરીના હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. હાઈ-સિક્યોરિટી ઝોનમાંથી થયેલી આ ચોરીએ સુરક્ષા એજન્સીઓ પર સવાલો ઊભા કર્યા હતા, પરંતુ અમદાવાદ પોલીસે આ ચકચારી અને કરોડો રૂપિયાના ગોલ્ડની ચોરીનો ભેદ સંપૂર્ણપણે ઉકેલી નાખ્યો છે. આ કેસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે અત્યાર સુધીમાં કુલ સાત શખ્સોની ધરપકડ કરી લીધી છે અને તમામ આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.
પોલીસ તપાસ દરમિયાન જે ચોંકાવનારી વિગતો સામે આવી છે તે મુજબ, આ હાઈ-પ્રોફાઈલ ચોરીને અંજામ આપવા માટે કોઈ બહારની ગેંગ આવી નહોતી, પરંતુ એરપોર્ટ કાર્ગો ટર્મિનલમાં જ કામ કરતા સિક્યોરિટી અને વહીવટી સ્ટાફના કર્મચારીઓ આ ગુનાના મુખ્ય સૂત્રધાર નીકળ્યા છે. કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં કઈ જગ્યાએ સીસીટીવી કેમેરા નથી અને કયા સમયે સોનાના પાર્સલની અવરજવર થાય છે, તેની તમામ અંદરની માહિતી આ કર્મચારીઓ પાસે હતી. આ જ આંતરિક વિગતોનો ફાયદો ઉઠાવીને કાર્ગોના જ ગદ્દાર કર્મચારીઓએ ભેગા મળીને અંદાજે 2.58 કરોડના કિંમતી સોનાની ઉઠાંતરી કરી લીધી હતી.
ચોરીની ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ શહેર પોલીસની સ્પેશિયલ ટીમ અને ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કડીઓ મેળવીને તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ કર્મચારીઓની આકરી પૂછપરછ કરતા જ આખું ષડયંત્ર બહાર આવી ગયું હતું. પોલીસે પકડાયેલા સાતેય આરોપીઓની સઘન પૂછપરછ અને સર્ચ ઓપરેશન દરમિયાન તેમની પાસેથી અત્યાર સુધીમાં આશરે રૂપિયા એક કરોડની કિંમતનું ચોરાયેલું સોનું રિકવર કરી લીધું છે. આ ઉપરાંત, સોનું વેચીને મેળવેલા અથવા વહેંચણી કરાયેલા રૂ. 69.24 લાખની મોટી રોકડ રકમ પણ પોલીસે આ ગુનેગારો પાસેથી જપ્ત કરવામાં સફળતા મેળવી છે.
પોલીસે આંતરરાષ્ટ્રીય સરહદ અને ઉચ્ચ સુરક્ષા ધરાવતા એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાને અત્યંત ગંભીરતાથી લીધો છે. પકડાયેલા તમામ સાત શખ્સો વિરૂદ્ધ ચોરી અને ગુનાહિત ષડયંત્ર સહિતની વિવિધ કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
