News of Friday, 16th October 2026
અમદાવાદ એરપોર્ટ પરથી 42.49 લાખનું સોનું ઝડપાયું : અબુધાબીથી આવેલ મુસાફરે ટ્રોલી બેગની મેટલ સ્ટ્રીપમાં ગોલ્ડ વાયર છુપાવ્યા હતા
ટ્રોલી બેગની અંદર સ્ક્રૂથી ફિટ કરવામાં આવેલી મેટલ સ્ટ્રીપ્સ મળી :ત્રણેય ટ્રોલી બેગમાંથી કુલ છ ગોલ્ડ વાયર મળ્યા:કસ્ટમ્સ વિભાગે કુલ 282.910 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા મોટી સફળતા મેળવવામાં આવી છે. અબુધાબીથી આવેલા એક મુસાફર પાસેથી રૂ. 42.49 લાખથી વધુની કિંમતનું 282.910 ગ્રામ સોનું ઝડપી પાડવામાં આવ્યું છે. આ સોનું ટ્રોલી બેગની અંદર ખાસ રીતે છુપાવીને લાવવામાં આવ્યું હતું.
ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ્સની AIU ટીમે 15 ઓક્ટોબરના રોજ અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા એક શંકાસ્પદ મુસાફરને અટકાવ્યો હતો. મુસાફરની સઘન પૂછપરછ અને તેની પાસે રહેલી ત્રણ ટ્રોલી બેગની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને ટ્રોલી બેગની અંદર સ્ક્રૂથી ફિટ કરવામાં આવેલી મેટલ સ્ટ્રીપ્સ મળી આવી હતી.
આ મેટલ સ્ટ્રીપ્સને સાવચેતીપૂર્વક ખોલીને જોતાં તેમાંથી બે-બે ગોલ્ડ વાયર મળી આવ્યા હતા, જે કાયદાકીય તપાસથી બચવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યા હતા. ત્રણેય ટ્રોલી બેગમાંથી કુલ છ ગોલ્ડ વાયર જપ્ત કરવામાં આવ્યા હતા, જે 24 કેરેટ શુદ્ધતાના હતા. શંકા ન જાય તે માટે સોનાના વાયર પર સફેદ રંગના રૉડિયમનું કોટિંગ કરવામાં આવ્યું હતું, જેથી તે સામાન્ય મેટલ સ્ટ્રીપ જેવું જ દેખાય.
કસ્ટમ્સ વિભાગે કુલ 282.910 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત રૂ. 42,49,308 થાય છે. કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ગુનો નોંધીને સોનું કબજે કરવામાં આવ્યું છે અને સંબંધિત મુસાફરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
