News of Saturday, 27th June 2026
શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર: અમદાવાદથી હરિદ્વાર માટે દોડશે હાઈટેક ‘અમૃત ભારત’ ટ્રેન, કાલથી જ બુકિંગ શરૂ
સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો રેલ્વેનો નિર્ણય: આધુનિક એલએચબી રેક, સ્લીપર અને જનરલ કોચથી સજ્જ ટ્રેન મુસાફરીને બનાવશે વધુ આરામદાયક

અમદાવાદ : ગુજરાતથી દેવભૂમિ ઉત્તરાખંડ અને હરિદ્વાર જતાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે પશ્ચિમ રેલ્વે તરફથી ખૂબ જ આનંદના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. મુસાફરોની ભારે ભીડ અને સતત વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન હવે સામાન્ય રેકને બદલે રેલ્વેની નવી અને અત્યંત આધુનિક એવી ‘અમૃત ભારત’ રેક (Amrit Bharat Rake) સાથે દોડશે, જે મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાનો અનુભવ કરાવશે.
પશ્ચિમ રેલ્વેના સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ વિશેષ ટ્રેનમાં સ્લીપર ક્લાસ (Sleeper Class) અને જનરલ ક્લાસ (General Class) ના અપગ્રેડ કરેલા કોચ જોડવામાં આવ્યા છે. આ નવી સુવિધા આગામી જુલાઈ મહિનાની શરૂઆતથી જ પાટા પર દોડતી જોવા મળશે.
ટ્રેનનું નવું શિડ્યુઅલ અને લંબાવેલા ફેરાની વિગત
રેલ્વે તંત્ર દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ બંને તરફની ટ્રેનોના ફેરા નીચે મુજબ લંબાવવામાં આવ્યા છે:
• ટ્રેન નંબર 09425 (સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ): આ ટ્રેનના ફેરા આગામી ૨૭ જુલાઈ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે. આ ટ્રેન ૬ જુલાઈથી ૨૭ જુલાઈ ૨૦૨૬ દરમિયાન સંપૂર્ણપણે આધુનિક 'અમૃત ભારત' રેક સાથે પોતાની સેવાઓ આપશે.
• ટ્રેન નંબર 09426 (હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ): પરત ફરતી વખતે આ ટ્રેનના ફેરા ૨٨ જુલાઈ ૨૦૨૬ સુધી લંબાવી દેવાયા છે. જે ૭ જુલાઈથી ૨૮ જુલાઈ ૨૦૨૬ સુધી પ્રવાસીઓને અમૃત ભારત ટ્રેનની સુવિધા આપશે.
આવતીકાલથી જ ટિકિટ બુકિંગનો પ્રારંભ
આ લંબાવવામાં આવેલા ફેરા માટે મુસાફરો આવતીકાલ એટલે કે ૨૮ જૂન ૨૦૨૬ થી પોતાનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે. ટ્રેન નંબર 09425 નું બુકિંગ દેશના તમામ રેલ્વે પીઆરએસ (PRS) કાઉન્ટર્સ પરથી તેમજ આઈઆરસીટીસી (IRCTC) ની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન કરી શકાશે. મુસાફરો ટ્રેનના સ્ટોપેજ અને સમયની વિસ્તૃત માહિતી માટે રેલ્વે હેલ્પલાઇન ૧૩૯ અથવા વેબસાઇટનો સંપર્ક કરી શકે છે.
રાજસ્થાન તરફ જતાં મુસાફરોને પણ મોટી ભેટ
પશ્ચિમ રેલ્વે દ્વારા માત્ર ઉત્તરાખંડ જ નહીં, પરંતુ રાજસ્થાન તરફ જતા પ્રવાસીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના અસારવા સ્ટેશનથી ઉપડતી ‘અસારવા-ઉદયપુર એક્સપ્રેસ’ ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડને જોતાં, કામચલાઉ ધોરણે (Temporary Basis) એક વધારાનો જનરલ ક્લાસ કોચ ઉમેરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મધ્યમવર્ગીય અને રોજિંદા પ્રવાસ કરતા મુસાફરોને બેસવા માટે વધુ જગ્યા મળશે અને મુસાફરી સુગમ બનશે.
રેલ્વેના આ ડબલ નિર્ણયને કારણે આગામી તહેવારો અને વેકેશનની સીઝનમાં હરિદ્વાર, ઋષિકેશ અને ઉદયપુર તરફ ફરવા જતાં હજારો મુસાફરોની સફર વધુ આરામદાયક અને યાદગાર બની રહેશે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
