<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

૫૫ વર્ષ પૂર્ણ કરનારા બિનકાર્યક્ષમ સરકારી કર્મચારીઓ પર સરકારની નજર : સમય પહેલાં નિવૃત્તિની પ્રક્રિયા શરૂ

કામ નહિ કરનાર કર્મચારીઓનું હવે આવી બનશે ‘ઘરભેગા' કરી દેવા તૈયારી ગુજરાત સરકારે વિવિધ વિભાગો પાસેથી યાદી મંગાવી : ૫૫ વર્ષ પૂરા કરનારાની ૧૧ મુદ્દાની વિગત મંગાવી

અમદાવાદ, તા. ૧ર : ગુજરાત સરકારે વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મોટી તૈયારી શરૂ કરી છે. ૫૫ વર્ષની ઉંમર પૂર્ણ કરનારા અને લાંબા સમયથી બિનકાર્યક્ષમ કે નબળી કામગીરીવાળા સરકારી કર્મચારીઓને સમય પહેલાં ઘરભેગા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હિસાબ અને તિજોરી નિયામક કચેરી (Accountant General and Director of Treasuries) દ્વારા જારી કરાયેલા તાજા પરિપત્ર અનુસાર તમામ વિભાગો પાસેથી આવા કર્મચારીઓની વિગતવાર યાદી મંગાવવામાં આવી છે.

કયા કર્મચારીઓની માહિતી મંગાવાઈ છે?

પરિપત્રમાં સ્‍પષ્ટ સૂચના છે કે ગ્રુપ-૧થી ગ્રુપ-૪ સુધીના તમામ કર્મચારીઓ જેમની ઉંમર ૧ ઓક્‍ટોબર ૨૦૨૬થી ૩૧ ડિસેમ્‍બર ૨૦૨૬ દરમિયાન ૫૫ વર્ષ પૂર્ણ થવાની છે, તેમની વિગતો મોકલવી. આ માટે વિભાગોએ ૧૧ મુદ્દાઓની વિગતો એકત્ર કરીને ૩૦ મે ૨૦૨૬ સુધીમાં મોકલવાની છે. આમાં મુખ્‍યત્‍વે સામેલ છેઃ

- કર્મચારીનું નામ, હોદ્દો, જન્‍મ તારીખ

- છેલ્લા ૧૦ વર્ષોનો સેવા રેકોર્ડ

- ગુપ્ત અહેવાલો (ACR)

- શિસ્‍તભંગની કાર્યવાહી

- કાર્યક્ષમતાનું મૂલ્‍યાંકન

- અન્‍ય સંબંધિત વિગતો

માહિતી મળ્‍યા બાદ સરકાર આ કર્મચારીઓના સમગ્ર સેવા રેકોર્ડની સમીક્ષા કરશે. જો કામગીરી સંતોષજનક નહીં હોય, ફરજ પ્રત્‍યે બેદરકારી કે શિસ્‍તભંગના કેસ હોય તો તેમને સમય પહેલાં નિવળત્તિ (Premature Retirement) આપી ઘરભેગા કરી શકાશે.

સરકારનો હેતુ શું છે?

સરકારી સૂત્રો અનુસાર આ પગલું વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા માટે લેવામાં આવ્‍યું છે. લાંબા સમયથી નબળી કામગીરી કરતા અથવા બિનઉત્‍પાદક કર્મચારીઓને કારણે વહીવટ પર અસર પડે છે, તેથી આવા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી છે. આ પ્રક્રિયા નિયમિત ક્‍વાર્ટરલી રિવ્‍યુના ભાગરૂપે છે અને તે ૨૦૨૩માં જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર આગળ વધી રહી છે. તે સમયે સરકારે ૫૦ અથવા ૫૫ વર્ષની ઉંમરે અસરકારક ન જણાતા કર્મચારીઓને ફરજિયાત નિવળત્ત કરવાના નિયમો અમલમાં મૂકયા હતા.

પાછલા વર્ષોમાં શું થયું?

-૨૦૨૪માં અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિત વિવિધ વિભાગોમાં ૫૦થી વધુ ઉંમરના કર્મચારીઓની સમીક્ષા થઈ હતી.

-૨૦૨૪-૨૫માં અનેક વર્ગ-૧ અને વર્ગ-૨ અધિકારીઓને નિવળત્ત કરવામાં આવ્‍યા હતા.

-આ વખતે પણ ઓક્‍ટોબર-ડિસેમ્‍બર ૨૦૨૬માં ૫૫ વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

સરકારનું કહેવું છે કે આ પ્રક્રિયા કોઈ વ્‍યક્‍તિ વિરુદ્ધ નહીં, પરંતુ વહીવટી તંત્રને વધુ સક્ષમ અને પારદર્શક બનાવવા માટે છે. જો કોઈ કર્મચારીની કામગીરી સારી હશે તો તેને કોઈ અસર નહીં થાય. હાલમાં તમામ વિભાગોમાં માહિતી એકત્ર કરવાનું કામ ચાલુ છે. ૩૦ મે ૨૦૨૬ પછી સરકાર આગામી કાર્યવાહીનો નિર્ણય લેશે.

(3:33 PM IST)