તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 2nd June 2026
સાબરકાંઠામાં વડાલીના કેશરગંજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
રાજ્યપાલ ગામના ચોકમાં સ્વચ્છતા અભિયાન સહભાગી થયા: પરંપરાગત પ્રોટોકોલથી પર રહીને આકરી ગરમીમાં એસ.ટી. બસ મારફતે કેશરગંજ પહોંચેલા રાજ્યપાલશ્રીએ પ્રેરણાદાયી સાદગીનો પરિચય આપ્યો:રાજ્યપાલએ સાદગીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા કેશરગંજના અનુસૂચિત જાતિ પરિવારના ખેડૂતના ઘરે સાદું રાત્રિભોજન લીધું

ગાંધીનગર :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરગંજ ગામની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ગ્રામીણ જનજીવન, સાદગી અને પર્યાવરણ ચેતનાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
હાલની પરિસ્થિતિ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને ધ્યાને રાખીને રાજ્યપાલશ્રી કોઈ પણ પ્રકારના મોટા કાફલા વિના આકરી ગરમીમાં એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરીને ગાંધીનગરથી કેશરગંજ ખાતે પધાર્યા હતા, જે તેમના પ્રેરણાદાયી સાદગીપૂર્ણ અભિગમનો પરિચય કરાવે છે. ગામના મુખ્ય ચોક ખાતે આવી રાજ્યપાલ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા.
રાજ્યપાલએ ગ્રામજનોને સ્વચ્છતાને જનઆંદોલન બનાવવા અંગે પ્રેરણાદાયી સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતાનો સંદેશ ગામે ગામ પહોંચી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, સ્વચ્છતા એ તંદુરસ્ત અને ગૌરવશાળી સમાજના નિર્માણ માટેની આપણી નૈતિક ફરજ છે. દરેક નાગરિક જ્યારે પોતાના ઘરની સાથે પોતાના ગામને પણ સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરશે, ત્યારે જ મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને આપણે સાચા અર્થમાં સાકાર કરી શકીશું.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ્ય સાથે 'એક પેડ માઁ કે નામ' અભિયાન અંતર્ગત કેશરગંજ ગૌચર ભૂમિ ખાતે ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું હતું. રાજ્યપાલની આ પર્યાવરણ ચેતનાથી પ્રેરાઈને ગામના આશરે ૨૦૦ જેટલા સ્થાનિક નાગરિકો પણ આ વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહભેર જોડાયા હતા.
સાદગી અને ઉચ્ચ વિચારોનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા રાજ્યપાલએ રાત્રિના સમયે ગામના જ અનુસૂચિત જાતિ પરિવારના પ્રગતિશીલ ખેડૂત વણકર લવજીભાઈ લખાભાઇના નિવાસસ્થાને સાદું રાત્રિભોજન લીધું હતું. રાજ્યપાલને પરિવારજનો દ્વારા દુધીનું શાક દાળ, રોટલી, સલાડ અને શીરાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજન દરમ્યાન રાજ્યપાલએ પરિવારજનો સાથે વડીલ સહજ સંવાદ પણ કર્યો હતો તેમજ પરિવારના બાળકોને ભણી ગણીને શિક્ષિત બનવા પ્રેરણા આપી હતી.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ધારાસભ્ય રમણભાઈ વોરા, કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
