News of Tuesday, 20th October 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના દીવી ગામના પ્રગતિશીલ ખેડુત બળવંતભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી
રાજ્યપાલએ મોડેલ ફાર્મ ખાતે સ્વયં ગાય દોહી ખેડૂતોને દેશી ગાયનું પાલન કરવા ભારપૂર્વક જણાવ્યું ભરૂચ જિલ્લામાં ૨૦ હજારથી વધુ ખેડૂતોએ અપનાવી પ્રાકૃતિક કૃષિ : પ્રાકૃતિક ખેતપેદાશોના વેચાણ માટે જિલ્લામાં ૪૯ જેટલા વેચાણ કેન્દ્રો કાર્યરત

ભરૂચ જિલ્લાની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અંકલેશ્વર તાલુકાના દીવી ગામના પ્રગતિશીલ બળવંતભાઈ અમાઈદાસ પટેલના પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. જ્યાં પહોંચી સૌ પહેલા સ્વયં ગાય દોહી ખેડૂતોને દેશી ગાયનું પાલન કરવા પર ખાસ ભાર મૂક્યો હતો.
રાજ્યપાલએ ખેતરની મુલાકાત લઈ ખેતરમાં ઉગાડેલ વિવિધ પાકનું નિરિક્ષણ કર્યું હતું. ખેતરમાં જમરૂખ, ચીકુ, સરગવો, કેળા, આંબા, મીઠો લીમડો તથા વેલાવાળા શાકભાજી, રીંગણ, દૂધી વગેરે વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પાકોની ગુણવત્તા જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલએ મોડેલ ફાર્મની મુલાકાત લીધા બાદ ખેડૂતો સાથે સંવાદ સાધી પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો તથા કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામે છે, જેના કારણે આજે ખેડૂતોને બહારથી નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ જેવા તત્ત્વો ઉમેરવા પડે છે. રાસાયણિક ખેતીથી જમીન બગડે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે. જો આપણે રાસાયણિક ખેતી ચાલુ રાખીશું તો આવનારી પેઢીઓ માટે ફળદ્રુપ જમીન બચશે નહીં.
રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટે છે અને આવક બમણી થાય છે. ગુજરાતના અનેક ખેડૂતો પ્રાાકૃતિક ખેતી અપનાવીને અત્યંત ઓછી મજૂરી અને ઓછા ખર્ચે વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં ૮ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી સમૃદ્ધ અને નિરોગી જીવન જીવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ૨૦ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. આ ખેડૂતોને યોગ્ય બજાર મળી રહે અને નાગરિકોને રસાયણમુક્ત ખેતપેદાશો મળી રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા ૧૨૦૦થી વધુ વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ભરૂચ જિલ્લામાં પણ ૪૯ જેટલા વેચાણ કેન્દ્રો કાર્યરત છે.
રાજ્યપાલએ ખેડૂતોને આજના વિજયા દશમી નિમિત્તે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પ લેવડાવ્યો હતો. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી પર્યાવરણ દૂષિત થાય છે, જમીન બગાડે છે અને લોકોને ગંભીર રોગો તરફ ધકેલે છે.
આ મુલાકાત વેળાએ ખેતીવાડી વિભાગ સહિત વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ તથા મોડલ ફાર્મ ખેડૂત અને તેમના પરિવારજનો સહિત સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
