તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 26th November 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કરી એસ.ટી. બસમાં મુસાફરી: સહપ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો
ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા અને કાર્યક્રમના સમાપન બાદ ગાંધીનગર પરત ફરવા કરી એસ.ટી.માં મુસાફરી

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર અને ગોલથરા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જવા-આવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સામાન્ય એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી.
તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાજ્યપાલ ગાંધીનગરથી નારદીપુર જવા માટે એસ.ટી. બસમાં સવાર થયા ત્યારે બસમાં ઉપસ્થિત સામાન્ય મુસાફરોમાં આશ્ચર્ય સાથે અત્યંત આનંદની લાગણી જોવા મળી હતી. મુસાફરી દરમિયાન રાજ્યપાલએ કોઈ પણ પ્રકારની ઔપચારિકતા વિના સહપ્રવાસીઓ સાથે અત્યંત સહજ અને ઉષ્માભર્યો સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરોના ક્ષેમ-કુશળ પૂછીને તેમના રોજિંદા જીવન અંગે વાતચીત કરી હતી તેમજ ગ્રામ્ય વિકાસ અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કલોલ તાલુકાના ગોલથરા અને નારદીપુર ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમના સફળ સમાપન બાદ, આજે તા. ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પુનઃ સામાન્ય એસ.ટી. બસમાં મુસાફરી કરીને નારદીપુરથી ગાંધીનગર પરત ફર્યા હતા. પરત ફરતી વખતે પણ તેમણે સહમુસાફરો સાથે સહજ સંવાદ સાધી તેમના જીવન અને અનુભવો વિશે વાતચીત કરી હતી.
સામાન્ય નાગરિકની જેમ એસ.ટી. બસમાં જવા-આવવાની રાજ્યપાલની આ સરળ અને સંવેદનશીલ કાર્યશૈલીએ ઉપસ્થિત સૌ ગ્રામજનો અને મુસાફરોના હૃદય જીતી લીધા હતા
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
