<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

અમદાવાદના મેમનગર ખાતે જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શોભાયાત્રામાં સહભાગી થઈ દર્શન-અર્ચન કર્યા

સેવા સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આયોજિત મહોત્સવમાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીએ સંસ્થાની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી : સર્વજ્ઞાતિય ભક્તજનોનું અભિવાદન ઝીલી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા ગુરુકુલ ખાતે વિવેકાનંદ ચોક, ગુણાતીત નગર પાસે ભવ્ય શોભાયાત્રા અને જન્મજયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહીને જલારામ બાપાના ભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કર્યા હતા. તેમણે સમગ્ર રાજ્યની જનતાની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

સિનિયર સિટીઝન ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના:
સેવા સિનિયર સિટીઝન ગ્રુપ, મેમનગર દ્વારા આયોજિત આ ધાર્મિક ઉત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંસ્થા દ્વારા કરવામાં આવતી વિવિધ સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. શોભાયાત્રા દરમિયાન તેમણે ઉપસ્થિત સર્વજ્ઞાતિય ભક્તજનો અને નગરજનોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલી સૌને જલારામ જયંતિની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓ અને સિનિયર સિટીઝન ગ્રુપના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

મહાનુભાવો અને સ્થાનિક રહીશોની વિશાળ ઉપસ્થિતિ:
આ ભવ્ય શોભાયાત્રા અને મહોત્સવમાં લોહાણા સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નગરસેવકો સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા સિનિયર સિટીઝન ગ્રુપ, મેમનગરના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની સાથે મોટી સંખ્યામાં ભક્તજનો તથા સ્થાનિક રહીશોએ ઉત્સાહભેર જોડાઈને જહેમત ઉઠાવી હતી.

(11:23 AM IST)