News of Sunday, 28th June 2026
અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી, દિવ્ય ચાંદીના સિંહાસનમાં બિરાજમાન થશે માતા
૭ કિલો શુદ્ધ ચાંદીમાંથી બનેલા કલાત્મક સિંહાસન પર ‘રાજ રાજેશ્વરી’ સ્વરૂપે દર્શન આપશે માતાજી, ૧૦૮ દીવડાની મહાઆરતી સાથે થશે ભવ્ય મહોત્સવ

અમદાવાદ : અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સોમવારે જેઠ સુદ પૂનમના પાવન અવસરે માતાજી પ્રથમવાર ૭ કિલો શુદ્ધ ચાંદીના દિવ્ય સિંહાસન પર બિરાજમાન થઈ ભક્તોને આશીર્વાદ આપશે. આ વિશેષ પ્રસંગે ૬૪ ખંડી અન્નકૂટ અને ૧૦૮ દીવડાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે છેલ્લા ૧૧ દિવસથી વિશેષ તૈયારીઓ ચાલી રહી છે.
પૂજારી શિરીષ અવસ્થીના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષ પૂર્વે લેવાયેલા સંકલ્પ બાદ દાતાઓના સહયોગથી આ સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં લાકડાનું સ્ટ્રક્ચર અને રાજકોટના કારીગરો દ્વારા તેના પર મોર, પક્ષીઓ અને મંદિરના શિલ્પોની ઉત્કૃષ્ટ ચાંદીની કોતરણી કરવામાં આવી છે. માતાજીના પ્રાગટ્ય મહોત્સવમાં ભક્તોને માતાજીના અસલી 'રાજ રાજેશ્વરી' સ્વરૂપના દર્શન થશે.
ટ્રસ્ટી રાજા અવસ્થીએ માહિતી આપતા જણાવ્યું કે, પૂનમે બપોરે 12:00 થી 4:30 સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે, ત્યારબાદ સાંજે 4:30 વાગ્યે કપાટ ખુલતા જ ૧૦૮ દીવડાની મહાઆરતી થશે. આ ભવ્ય મહોત્સવમાં ૨૦૦થી વધુ સેવકો ખડેપગે સેવા આપશે અને ૫ હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદ તેમજ ભંડારાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રાગટ્ય મહોત્સવ પરંપરાગત ભક્તિ અને આધુનિક શિલ્પકળાનો અનોખો સંગમ બની રહેશે. અમદાવાદના નગરજનો માટે આ એક ઐતિહાસિક દિવસ બની રહેશે, જેમાં ભક્તિભાવના સાથે માતાજીના નવા ચાંદીના સિંહાસનના દર્શનનો લાભ લેવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
